ગીત

તું ભરતી ને હું ઓટ
મને ગમે ભીતર વળવું તું બહાર મુકે છે દોટ

આલિંગનનો લઇ હરખ તું ઠેઠ કિનારે જાય
મારી બુમે લહેરો પાછી ઘરમાં આવી ન્હાય 
તું ઉછળે તો લાગે જાણે ઊર્મિનો વરઘોડો
મારે કારણ ઉદાસીઓને મળે આશરો થોડો
જળના ઘરમાં રહીએ ક્યાં છે ઝળઝળિયાંની ખોટ .. તું ભરતી ને હું ઓટ

શીત ચાંદની નર્તન કરતી કેવળ તારા રાગે
મારે કારણ દરિયા જેવો દરિયો માંદો લાગે
તારી પાસે જોશ જવાની જાદુ જલસા મંતર
મારી પાસે જોવા જેવું કેવળ મારું અંતર
મારે મંદી તારા ભાયગમાં પણ કાળી ચોટ .. તું ભરતી ને હું ઓટ

પાંચીકા

પાંચીકા રમતીતી દોરડાઓ કુદ્તીતી ઝુલતીતી   આંબાની ડાળે
ગામને પાદરીએ જાન એક આવી ને મારું બચપણ ખોવાયું એ જ દાડે

મધમીઠા મહુડાના ઝાડ તળે બેસીને લખાતીતી દાદાને ચિઠ્ઠી
લખવાનું લખીતંગ બાકી હતું ને મારે અંગે ચોળાઈ ગઈ પીઠી
આંગણામાં ઓકળિયું પાડતા બે હાથ લાલ થાપાઓ ભીંત ઉપર પાડે
                                                   ને મારું બચપણ ખોવાયું એ જ દાડે

પાનેતર પહેરીને પંખી ઉદાસ છતાં મલકાતા મામા ને કાકી
બાપુના હુક્કામાં તંબાકુ ભરવાનું બાને કહેવાનું હતું બાકી
પાણીડાં ભરતી એ ગામની નદી જી બાપુના ચશ્માં પલાળે
                                                  ને મારું બચપણ ખોવાયું એ જ દાડે

ઢોલ અને શરણાઈ શેરીમાં વાગીયા ને ગામ મને પરણાવી રાજી
લીલીછમ મ્હોરવાની આશામાં ઉગેલી કુંપળ તોડાઈ એક તાજી
પાંચ પાંચ વર્ષોથી ગોરમાને પૂજ્ય ને ગોરમા જ નાવ ને ડુબાડે
                                               ને મારું બચપણ ખોવાયું એ જ દાડે