શ્રેષ્ઠ સર્જક નો નોબેલ કરતા પણ મોટો અવોર્ડ

કોઈ વિશાળ જગ્યાએ સમગ્ર પૃથ્વી વાસીઓ એક જગાએ ભેગા થયેલા. સહુને આમંત્રણ અપાયેલું. સહુ આવી ગયા પછી એક મહારથીએ કહ્યું કે ઈશ્વરે આપણને અનંત યુગોથી સૂર્ય આપ્યો . પ્રાણ માટે પ્રાણવાયું આપ્યો. જળ આપ્યુ. ઘઉંનો એક દાણો વાવ્યો તો અનેક કરીને આપ્યા. આપણે સહુ એના અનંત ઉપકારના ઋણી છીએ એટલે એમને શ્રેષ્ઠ સંચાલક અને શ્રેષ્ઠ સર્જક નો નોબેલ કરતા પણ મોટો અવોર્ડ આપવા માંગીએ છીએ એટલે પહેલીવાર ભેગા થયા છીએ . આટલું સાંભળતા જ અર્ધાથી વધુ લોકોએ વિરોધ નોધાવ્યો અને કહ્યું ઈશ્વર છે જ નહિ તો અવોર્ડ આપવાની વાત જ ક્યાં આવી? અને લોકો ઉઠીને ચાલી ગયા. કેટલાક અસમંજસ માં પડ્યા બેસી ન શક્યાં અને ઉઠી ગયા બાકીના લોકો જરા મોકળા થયા. ફરી પેલા મહારથીએ કહ્યું પહેલા તો ઈશ્વરનું આહ્વાન કરવું પડશે, બોલાવવા પડશે એનું શું કરીશું? ધર્માચાર્યોએ કહ્યું એ કામ અમારું. સુંદર લખાણ કરેલું સન્માનપત્ર બનાવવાનું કામ લેખકોએ લઇ લીધું. એને સોનાના પત્ર ઉપર દરેક અક્ષર હીરાથી લખવો છે એમ મહારથીએ જાહેરાત કરી કે ધનવાનોએ એ કામ ઉપાડી લેવાની તૈયારી બતાવી. આખો સમારંભ સુંદર રીતે પર પડે એ માટે કેટલાક રાજકાજના અનુભવી  લોકોની કમિટી બનાવવામાં આવી

બધું ગોઠવાતું હતું કે ધર્માચાર્યોમાં મતભેદ પડ્યા.દરેક આચાર્ય કહેતા કે અમાંરો રસ્તો શ્રેષ્ઠ છે. ઈશ્વર આ માર્ગે જ આવે છે અને પોતપોતાના ગ્રથોના પ્રમાણ આપવા લાગ્યા. બીજાને ભાંડવા લાગ્યા. પછી તો ઈશ્વર ઉપર અમાંરો પ્રથમ અધિકાર છે ત્યાં સુધી વાત પહોચી ગઈ. ધનવાનોએ એમને ચુપ કર્યા પણ  ધનવાનો એ શરત મૂકી કે સન્માનપત્રની નીચે સોનાથી અમારા પણ નામ કોતરવામાં આવે કે અમે દાન કર્યું છે અને ઈશ્વર બરાબર વાંચી શકે તે રીતે લખવામાં આવે. કમીટી સભ્યો માં એટલા મતભેદ પડ્યા કે વાત મારામારી સુધી પહોચી ગઈ સભામાં ધાધલ ધમાલ થઇ ગઈ સામાન્ય માણસોએ શું કરવું એની ખબર ન હતી કેટલાકે કમિટી મેમ્બરના તો કેટલાકે ધર્માચાર્યોના તો કેટલાકે ધનવાનોના પગ પકડી લીધા.  બહાર નીકલી ગયેલા નાસ્તિકોના ટોળા એ આ જોયું તેઓ જોરજોરથી હસવા લાગ્યા અને કોક બોલ્યો કે અમે તો પહેલાથી કહેતા હતા કે ઈશ્વર છે જ નહિ નહિ તો એના માટેના એવોર્ડ ની વાત કરનારા વચે આટલો ઝગડો થવા દે ખરો?

મુકેશ જોષી

વસંત

વસંત ઋતુ નો પગરવ સંભળાય છે હવા સૂર્યપ્રકાશ ના રંગે રંગાતી જાય છે
આંબાની મંજરીઓએ હળવે સૂરે ગાવાનું શરુ કર્યું છે કોયલના ટહુકાઓ શેરડીના રસ
સાથે હરીફાઈમાં ઉતર્યા છે અને એમની સરસાઈ ચાલી રહી છે શિયાળાનો સેન્ડ ઓફ ગોઠવાઈ
રહ્યો છે ઉનાળા માટે ગરમ લૂ ને પણ આમંત્રણ અપાઈ રહ્યા છે બંધ પડેલા પંખાઓએ હવે
ઓવરટાઈમ કરવો પડશે એની જાણ કરી દેવામાં આવી છે વેકેશન થી થોડે દૂર ઉભેલા
સ્કુલ અને કોલેજોના દરવાજાઓ આજકાલ પરિક્ષા આપવા આવતા બાળકોને જોઇને
કીચુડ કિચુડ કર્યાં કરે છે માંબાપો બચ્ચાઓ કરતા વધારે ચિંતિત થઈને ઘરને મંદિરમાંથી
ચિન્તાકેન્દ્ર બનાવી રહયા છે માર્ચ નજીક હોવાથી બાકીના સહુ હિસાબોમાં પડ્યા છે
ગુલમ્હોરે રાતા થવાની શરૂઆત કરી છે પણ લાલ આંખે થયેલા ઉજાગરાઓ એ તરફ ધ્યાન
જવા દેતા નથી નવાઈ છે કે વર્ષે એક વાર ઉપરવાળો પ્રેમપત્ર મોકલે છે પણ ત્યારે જ
આપણી આંખનું મોતિયાનું ઓપરેશન ગોઠવાયું હોય એવો તાલ છે
આ ઋતુ માં દરેક જણે પોતાના સહુથી વધારે પ્રિયજનને એક પત્ર તો લખવો જ પડશે એવો
આદેશ મળે તો છાતી ઉપર હાથ મૂકીને કહો તમે કોને નામે પત્ર લખો ?
એ જ નામ ને. . . જેને કારણે તમને જીવવું ગમે છે જોવું ગમે છે. . જાણવુ
ગમે છે અને જેની આંખોમાં જોવાથી તમને જીવવાની શક્તિ મળે છે જે હસે છે
તો તમે રાજીના રેડ થઇ જાઓ છો અને જેના રાજીપા માટે તમે કઈ પણ કરવા તૈયાર
થઇ જાઓ છો.. .. હા એનું નામ પ્રેમ છે એને લાડમાં લોકો જીવનની વસંત કહે છે
મુકેશ જોશી

IMG-20140713-WA0061

સુગંધ નો પુલ

વેકેશનના રવિવારની   એક સવારે આંખ વહેલી ખુલી ગઈ. કશે જવાનું ન હતું, આજે ઘડિયાળ ના ખિસ્સામાં આપણે નહિ
પણ આપણા ખિસ્સમાં ઘડિયાળ હતી બાલ્કનીમાં ખુરશી ગોઠવી આકાશમાં સુરજને આવવાની વાર હશે ત્યાં જ
અચાનક સામેની બાલ્કનીમાં ચાદ જેવું લાગ્યુ આટલા વર્ષોથી સામેનો બાલ્કની જોઈ હતી પણ આજે ત્યાં ખુશનમાં પ્રભાત
દેખાતું હતું માત્ર બાલ્કની જ શું કામ સામેનું આખું બિલ્ડીંગ હસું હસું થઇ રહ્યું હતું
વેકેશનમાં કોઈ નવા મહેમાન આવ્યા હશે એમ લાગ્યું એમાય મન પરોવાયું ત્યારે ખબર પડી કે
સામેના હીચકા ઉપર બેસીને બહુ સુરીલા કંઠે કોઈ ગાન છેડાયું હતું બે બાલ્કની વચ્ચે સુગંધ નો પુલ હોત તો કેવું સારું
એવા વિચારો થી મન સુવાસિત થઇ  રહ્યું હતું એ બાજુ પગની ઠેસ થી હિચકો ચાલતો હતો ને આ બાજુ એ દરેક ઠેસ થી પાપણો જુલી  
રહી હતી. પછી વિચાર આવ્યો કે આજે કોઈ વાત નહિ થાય તો કાલથી તો સોમવાર સમય નહિ મળે અને વેકેશન પૂરું
એટલામાં તો સામે નાનકડો પીંકુ પણ પેલા મહેમાનની બાજુમાં બેસી ગયો. પહેલીવાર પીકું માટે વ્હેલીસ્વારે કેટબરી લઇ
આવવાનું મન થયું પછી એક નાનકડા કાગળ પર મેં લખ્યું : આજે તમને જોઈ સવાર સુધારી ગઈ તમે તો જેને મળશો એની જિંદગી
આખી સુધરી જવાની મારી સાથે મારા ઘરે સાજે આઈસ્ક્રીમ ખાવા પધારશો તો આનંદ થશે મારા વિષે પીન્કુને પૂછી શકો છો
પછી મેં નાનકડી કાંકરી પર ચીઠી વીટાળી સામે ફેકી
થોડો ડર પણ લાગ્યો અર્ધો કલાક જીવ ઉચાટમાં રહ્યો ને એજ કકરી પર એજ ચીઠી ની પાછળ જવાબ આવ્યો લખેલું :
પીંકુ મારો ખાસ મદદગાર છે તમે ભલા છો એમ તેણે કહ્યું આ ચીઠી પણ મેં પીંકુ પાસે જ લખાવી છે આઈસ્ક્રીમ ખાવાનું મને ગમશે જ
ખાસ જણાવવાનું કે હું આઈસ્ક્રીમ તો ખાઈ શકીશ પણ જોઈ શકીશ નહિ
તમે શું મારા માટે  બ્રેઇલ લીપી શીખી શકો એમ છો ?
શી ખબર મેં બે બાલ્કની વચ્ચે સુગંધ નો પુલ ત્યારે જ તોડી નાખેલો આજે અંધ સ્કુલમાં કવિ સંમેલન કરવા જતા પેલી  વેકેશનવા ળી વળી સવાર
મનમાં જાગી ગઈ ને મને ટોણો મારતી  ગઈ.  જોનારની બે આંખો નિર્દોષ કે નહિ જોઈ શક્નારનું મન ?

કવિતાની કેડીએ… –

આકાશને કલાકો સુધી ઝગમગતું રાખવાનું ભગીરથ કામ સૂરજ કરે છે છતાં એના ભાગે મહેણાં-ટોણાં સાંભળવાનું જ આવે છે

કવિતાની કેડીએ… – નલિની માડગાંવકર

ગીત

સોનેરી કિરણોની મબલક મિલકત જોઈ

લોકો જોને સાચોજૂઠો વહેમ કરે છે

રોજ મઝાની સાંજ નામનો ચેક લખીને

સૂરજ એના ભાગનો ઈન્કમ ટૅક્સ ભરે છે

સૂરજ પાસે નથી જ કાળું નાણું, એની સાબિતીઓ કોણ જઈને લાવે

નથી નોકરી ધંધો તોય આટઆટલી મિલકત ક્યાંથી આવે

આવાં-તેવાં મ્હેણાં-ટોણે, દરિયામાં ડૂબીને સૂરજ ચોમાસામાં ખૂબ ઝરે છે

સૂરજ એના ભાગનો ઈન્કમ ટેક્સ ભરે છે

સૂરજ ગાંધીવાદી, પ્હેરે અજવાળાની ખાદી, એની રોજનીશીનું સત્ય જ કાફી.

મિલકત કરતાં બમણો વેરો ભરે છતાંય કરવેરામાં નહીં છૂટ કે માફી

સૂરજને જો રિબેટ દેવા ધરતી, ચંદા, તારા એની આજુબાજુ ગોળ ફરે છે

સૂરજ એના ભાગોનો ઈન્કમ ટેક્સ ભરે છે

સૂરજ તો શું, આખેઆખા આભની બૅલેન્સ શીટ થાય છે રોજરોજની ટૅલી

ટૅલી થાવાના કારણમાં અંતરનો રાજીપો, અહીંયાં નથી 

કોઈની મુરાદ મેલીઘેલી

આભના પેલા મહેતાજીને લઈ આવો કે અહીંના લોકો 

ગોટાળાને પ્રેમ કરે છે

સૂરજ એના ભાગનો ઈન્કમ ટેક્સ ભરે છે.

– મુકેશ જોષી

મધ્યકાલીન કવિ અખા ભગત જતી વખતે પોતાની કલમ અને ચાબખાને ભાવિ પેઢીના કવિઓ માટે છોડતા ગયા. એ આજની પેઢીના – આધુનિક કવિઓ પાસે આવી. નવા કવિઓએ આ લેખણને છોલી છોલીને આજના માનવીઓ સમજી શકે એટલી ધારદાર બનાવી, ભાષાને સમજાવીને કક્કાને નવેસરથી ઘૂંટવાની પરવાનગી લઈ લીધી. કવિનું હૈયું તો ઊકળતા ચરુ જેવું હતું જ. અનુભૂતિએ નવા સ્વરૂપે પ્રગટ થવાનું નક્કી કર્યું અને એમાંથી રચાઈ આ કવિતા.

કાળાં નાણાંને ઊજળાં બનાવવાના નિયમો આંકી આંકીને સત્તાધીશો થાકી ગયા. ફક્ત ન થાક્યા આવા કવિ. જેમણે સીધેસીધો પ્રકૃતિ સાથે સંપર્ક સાધ્યો અને નવા વાઘા પહેરીને પ્રકૃતિ કવિતા પાસે દોડતી આવી. કવિ અને કવિતા વચ્ચે નવો ઘરોબો બંધાયો અને મુકેશ જોષીને આવો માણસ અને પ્રકૃતિ વચ્ચેનો અનુબંધ જોઈને સાંકેતિક શબ્દોની કવિતા રચવાનું મન થયું. વાચાળ બન્યા વગર પણ જે કહેવું છે એ કહેવાની સૂઝ આ કવિને હાથવગી છે. જે સૂરજને ગાયત્રીમંત્ર ભણી વંદન કરીએ એને ઈન્કમ ટૅક્સ ભરતો કલ્પવો એ કંઈ નાની વાત છે? આની સામે માણસજાત શું વિસાતમાં છે?

કવિ ચાતુર્ય એક એક શબ્દમાં માણવા જેવું છે. દસે દિશાએ પોતાનાં તેજકિરણો વેરતી એક પ્રસન્ન સવારને જોઈને લોકોને વહેમ આવે છે કે આ સૂરજ મબલક હાથે મબલક મિલકત ચારે બાજુ વેરી રહ્યો છે તો એની પાસે કાળાં નાણાંનો ગંજાવર ‘સ્ટોક’ લાગે છે. અદેખા માણસોનો સંસારમાં ક્યારેય તોટો નથી હોતો એ અનુભવથી આપણે બધા પરિચિત છીએ. આવકવેરો નિયમિત ભરનારનો ચેક તો હંમેશાં મીઠો જ લાગે, તો પછી એમાં સૂરજને કઈ રીતે નાતબહાર મુકાય? એ તો રોજ સુંદર સાંજનો ચેક આ જગતને નામે લખે જ છે. એમ કરીને એ પોતાના અસ્તિત્વનું જમાપાસું આપણી સામે ધરી દે છે.

નવી અભિવ્યક્તિની સાથે સાથે ભાષાને પણ કવિ કઈ રીતે નવું રૂપ આપે છે! કવિતામાં, સમાજમાં બોલાતી ભાષાની સ્વાભાવિકતા અહીં ઊતરી આવી છે. કટાક્ષ કે ઉપાલંભ આપવા માટે ભાષાને પોતાની રીતે નવો ઘાટ આપી દે છે. કાયદો તો સાચાં-ખોટાનાં પારખાં કરવાં સાબિતીઓ જ માગે છે. કાળાં નાણાંની સચ્ચાઈ માટે પણ સાબિતીઓ તો જોઈએ જ. આકાશને કલાકો સુધી ઝગમગતું રાખવાનું ભગીરથ કામ સૂરજ કરતો હોય છે તોય એને ભાગે મ્હેણાં-ટોણાં આવે છે! કવિ આ રીતે માણસની ભીતર છુપાયેલી મર્યાદાઓને એક પછી એક ભાવમુદ્રાથી બહાર લાવે છે. જો સૂરજને પણ કડવાં વેણ સાંભળવાં પડતાં હોય તો માણસ શું વિસાતમાં? નિંદકોની ચપટી ભારે આકરી હોય છે. ચોમાસામાં આકાશ સાથે સહાનુભૂતિ બતાવતો સૂરજ ન ઊગીને કે વાદળમાં છુપાઈને પોતાની વેદના વ્યક્ત કરે છે.

કવિ ક્યારેય સંવેદનાને આંગણામાં વેરાયેલી નથી રાખતા, એનો માંહ્યલો તો ચોખ્ખાચટ આંગણા જેવો છે. એમાં જ અક્ષરો પોતાની રંગોળી પૂરતા હોય છે. સૂરજ પાસે ગાંધીવાદી અજવાળું છે. એ તો તેજની સફેદ ખાદી ધારણ કરે છે. આ કલ્પન અદ્ભુત છે. સૂરજને રિબેટ આપવા – કરમાંથી રાહત આપવા પૃથ્વી, ચંદ્ર, તારા એની આસપાસ ઘૂમી રહ્યા છે. આ પ્રાકૃતિક સત્યનો કવિએ બહુ માર્મિક ઉપયોગ કર્યો છે. સૈકાઓની પરંપરાથી વધુ ને વધુ પુષ્ટ બનતી આપણી ભાષાને કવિ આ રીતની અભિવ્યક્તિથી કેવી નિરામય બનાવી દે છે! બૅલેન્સ શીટને ટૅલી કરી શકે એવા અનુભવી સર્જકોને વ્યવહાર 

સાચવનારા કેવા કેવા ‘પાયલાગણ’ કરે છે એ આપણે ક્યાં નથી જાણતા! પણ સૂરજના હિસાબકિતાબ ચોખ્ખા હોવાથી જ એ આટલો તેજસ્વી રહી શક્યો છે, આવું તે જ 

જેની પાસે છે એ માણસની મેલીઘેલી મુરાદને તરત પકડી પાડે છે. કવિ મુકેશ જોષીની કવિતાની છેલ્લી પંક્તિ હંમેશાં આપણા કવિતાપ્રેમીને અનેરી સોગાદ આપનારી છે. ગોટાળાને પ્રેમ કરનારા વેપારીઓને ખુલ્લા કરવા કવિએ પોતા પાસે રાખેલો અખાભગતનો ચાબખો હાથમાં લીધો છે. આ અભિવ્યક્તિ ‘પ્રેમ’ સંજ્ઞાને માર્મિકતાથી બચાવી લે છે. કારણ ગોટાળામાંથી મુક્ત થયા પછીનું અંતિમ પગલું એ સાચો પ્રેમ છે. આવા પ્રેમની સચ્ચાઈ અનુભવથી જ સમજાય છે. અહીં તો લોકોના આવા ગોટાળા પ્રત્યેના આકર્ષણની, એની ચાહનાની જ કવિએ દિશા સૂચવી છે.

આ રચનામાં ભલે કોઈકને સભારંજની તત્ત્વ દેખાતું હોય, પણ કવિએ પૂરેપૂરી, આચરણમાં ઊતારી રહ્યા છે એવા નાના દીવા જેવી વ્યક્તિઓને કવિ સૂરજના તેજમાં ક્યાંય ભૂલ્યા નથી, એવી વ્યક્તિઓએ શું શું સહેવું પડે છે એની લાગણીથી પણ કવિ અજાણ્યા નથી.

આ એક એવી રચના છે કે જેની ભાષા આજની આપણી યુવાપેઢીને આકર્ષી શકે છે. સમાજની નાડમાં ઊતરીને ઘૂમી રહેલા આ વિષનું મારણ ફક્ત કાયદા દ્વારા આપી શકાય એવી સ્થિતિથી આપણે ક્યારનાય દૂર થઈ ગયા છીએ. કદાચ આવી કવિતા કોઈકના માંહ્યલાને આ બદીઓથી મુક્ત કરી શકે એવી અપેક્ષા રાખવી ખોટી નથી. બાકી એક ગીતકવિતા તરીકે જોઈએ તો એમાં ઊર્મિનું વહન પણ એની ભાવ ચમત્કૃતિને અનુકૂળ રહ્યું છે. કવિના જ શબ્દોમાં ખુદને જ પ્રશ્ર્ન કરીએ કે;

“તમે જિંદગી વાંચી છે?

વાંચો તો પડશે સમજણ

ૄૄૄ

પથ્થરના વરસાદ વચાળે

કેમ બચાવો દર્પણ

બીજી કેટલીક પંક્તિઓ યાદ આવે છે;

જે કવિને માટે પણ યોગ્ય છે;

“હરિ, અમારું અંતર તો છે રેશમરેશમ

જગને જોઈ થાકેલી તવ દૃષ્ટિને જો

મારા અંતરમાં મૂકો તો કેવું!

પાંચીકા

પાંચીકા રમતીતી દોરડાઓ કુદ્તીતી ઝુલતીતી   આંબાની ડાળે
ગામને પાદરીએ જાન એક આવી ને મારું બચપણ ખોવાયું એ જ દાડે

મધમીઠા મહુડાના ઝાડ તળે બેસીને લખાતીતી દાદાને ચિઠ્ઠી
લખવાનું લખીતંગ બાકી હતું ને મારે અંગે ચોળાઈ ગઈ પીઠી
આંગણામાં ઓકળિયું પાડતા બે હાથ લાલ થાપાઓ ભીંત ઉપર પાડે
                                                   ને મારું બચપણ ખોવાયું એ જ દાડે

પાનેતર પહેરીને પંખી ઉદાસ છતાં મલકાતા મામા ને કાકી
બાપુના હુક્કામાં તંબાકુ ભરવાનું બાને કહેવાનું હતું બાકી
પાણીડાં ભરતી એ ગામની નદી જી બાપુના ચશ્માં પલાળે
                                                  ને મારું બચપણ ખોવાયું એ જ દાડે

ઢોલ અને શરણાઈ શેરીમાં વાગીયા ને ગામ મને પરણાવી રાજી
લીલીછમ મ્હોરવાની આશામાં ઉગેલી કુંપળ તોડાઈ એક તાજી
પાંચ પાંચ વર્ષોથી ગોરમાને પૂજ્ય ને ગોરમા જ નાવ ને ડુબાડે
                                               ને મારું બચપણ ખોવાયું એ જ દાડે

ફોન

મને યાદ છે મારે તને એક સાંજ આપવાની છે. એ પણ યાદ છે કે મારે નીલા આકાશમાં
મોરપીંછ ના રંગ ભરવાના છે. ઘડિયાળના બે કાંટા વચ્ચે ગુલાબી રંગ ની ચાદર પાથરવાની છે
પીળા સુરજને સુર્યમુખીની કંકોત્રી આપવાની છે. દરિયાના પાણી ને રેતીની વાર્તા કહેવાની છે

મેં છેલા કેટલય દિવસોથી મોર ને તાકી રેહવાનું , ઘડિયાળને નિયમિત ચાવી આપવાનું ,
સૂર્યમુખીના ફૂલોમાં પાણી રેડવાનું અને  રેતીની   આત્મકથા વાંચવાનું શરુ કરી દીધું છે

તો ય ખુલાસો કરી દઉં કે મને હાથમાં સુગંધી મોગરાનું ફૂલ દોરતા નથી  આવડતું
બહુ બહુ તો  બે  હાથમાં વિશ્વાસ નું અત્તર લગાવી શકીશ
 નારંગી સાંજ તારા ચેહરા ઉપરથી  ઢોળાતી હશે ત્યારે
મોબાઈલ ને બદલે આંખોથી તસ્વીર પાડી શકીશ  
અને હા તારા ગમતા ગીતની એકાદ પંક્તિ ચોક્કસ ગાઇશ
કદાચ ગરમ સાંજ સામે તને કુલ્ફી ખાતા ખાતા હિમાલયની વાતો કરી શકીશ

પણ આટલી અમથી વાત કરવા મળવાની શી જરૂર ? આ વાતો અમસ્તીય
ફોન પર થઇ શકે
ત્યારે  તે મને કહેલું કે મેચ જોવાની મજા ટીવી માં ને સ્ટેડીયમમાં
પણ આવે પણ આંખ સામે વિરાટ ની રમત જોવાની મજા આવે કે ટીવીમાં ?

Follow

Get every new post delivered to your Inbox.