ગીત લખું કે ગઝલ

ફરી આંખ કાં સજલ,
ગીત લખું કે ગઝલ

કોણ ફરી આવીને ઊભું, બંધ કલમને દ્વારે
જીવ પૂછે છે અડધી રાતે, કોણ હશે અત્યારે!
આ કોણ કાપતું મજલ, ગીત લખું કે ગઝલ

કોણ ફરી પગલીઓ પાડે, કાગળના આંગણામાં
નકકી કોઈ હશે પ્રગટતું, કવિ નામના જણમાં
આ કોણ આટલું સરલ, ગીત લખું કે ગઝલ!

હું જ લખું છું એ વિશે તો, મનેય પડતો શક
કો’ક લખાવી જાય છે ને, માનું મારો હક
(તો) થશે કો’ક દી ટસલ, ગીત લખું કે ગઝલ!

Advertisements

તમે જિંદગી વાંચી છે

સુખની આખી અનુક્રમણિકા, અંદર દુ:ખના પ્રકરણ
તમે જિંદગી વાંચી છે ? વાંચો તો પડશે સમજણ

પૂંઠાં વચ્ચે પાનાં બાંધ્યાં, જેમ ડચૂરા બાઝે
આંસુના ચશ્માં પહેરીને, પાનેપાનાં વાંચે
પથ્થરના વરસાદ વચાળે, કેમ બચાવો દર્પણ… તમે જિંદગી…

હશે કોઈ પ્રકરણ એવું કે ખરે વાંચવાલાયક
તમે ફેરવો પાનાંને, એ પુસ્તકમાંથી ગાયબ
ફાટેલાં પાનાંનાં જેવાં, ફાટી જાતાં સગપણ…. તમે જિંદગી….

આ લેખક પણ કેવો, એને દાદ આપવી પડશે
લખે કિતાબો લાખો, પણ ના નામ છપાવે કશે
હશે કદાચિત લેખકજીને, પીડા નામે વળગણ…. તમે જિંદગી…..

મને સાચ્ચો જવાબ દઇશ તું ?

મને સાચ્ચો જવાબ દઇશ તું ?
તને વહાલો વરસાદ કે હું ?

તને વરસાદી વાદળના વાવડ ગમે, કે મારા આ મળવાના વાયદા
તને મારામાં ખૂલવું ને ખીલવું ગમે, કે છત્રીના પાળવાના કાયદા
તને વરસાદી મોરલાનું ટેંહુક ગમે, કે મારી આ કોયલનું કૂ… તને

તને વરસાદી વાદળનું ચૂમવું ગમે, કે તરસી આ આંખોનું ઝૂરવું
હું ને આ વાદળ બે ઊભાં જો હોઇએ તો, કોનામાં દિલ તારે મૂકવું
તને આભમાં રમતું એ વાદળ ગમે, કે દરિયાનો કાંઠો ને હું… તને

તને છોને વરસાદ હોય વ્હાલો પણ, કોણ તને લાગે છે વ્હાલું વરસાદમાં
તને આટલું ચોમાસું વ્હાલું જો હોય, તો આંખો ભીંજાય કોની યાદમાં
આઠે મહિના મને આંખોમાં રાખે,ને ચોમાસે કહે છે જા છૂ… તને

એક ઉમળકો

પ્રિય મિત્રો, વાચકો અને ભાવકો

આપ સહુના આટલા બધા ઉમળકા ને પ્રતિસાદથી મને
વેબ સાઈટનો વરસાદ એટલે શુ
એની ખબર પડી. ખુબ ખુબ આભાર.
જેણે પણ પ્રેતિભાવ મોક્લ્યા એ સહુનો તો ખરો જ
પણ જેણે માત્ર વાંચીની
આનંદ અનુભવ્યો એ સહુનો પણ.

કવિતાનો આનંદ એ સહુનો ગણવો ને રસક્ષતી માટે
મારી મર્યાદા સમજવી.

મુકેશ જોશી

સાજન મારો સપનાં જોતો

સાજન મારો સપનાં જોતો, હું સાજનને જોતી
બટન ટાંકવા બેઠી’તી પણ ટાંક્યુ ઝીણું મોતી…

મોતીમાંથી દદડી પડતું અજવાળાનું ઝરણું
મેં સાજનને પુછ્યું તારા સપનાંઓને પરણું ?
એણે એના સપનાંમાંથી ચાંદો કાઢ્યો ગોતી..
સાજન મારો…

સૂક્કી મારી સાંજને ઝાલી ગુલાબજળમાં બોળી
ખટમીઠ્ઠા સ્પર્શોની પુરી અંગો પર રંગોળી
સૂરજની ના હોઉ ! એવી રોમે રોમે જ્યોતિ…
સાજન મારો…

મા મને ક્ક્કો શીખવાડ

મા મને ક્ક્કો શીખવાડ
મારા તો ભાઈબંધ વાંચી બતાવે છે પાનખરે ઉગેલા ઝાડ

મા પેલા ઝાડની ટોચ ઊપર બેઠેલા પંખીને કેમ કરી વાચવુ
પીંછા ને ટહુકા બે હેઠા પડે તો બેમાંથી કોને હુ સાચવુ
મા તુ ટહુકો કરે છે કે લાડ….મા મને ક્ક્કો શીખવાડ

મા પેલા તડકાનો રંગ કેમ પીળો ને છાંયડાનો રંગ કેમ લીલો
ગાંધીજીને કેમ ગોળી મારી ને ઇસુને કેમ જ્ડ્યો ખીલો
મા મારે ફૂલ થવાનુ કે વાડ…મા મને ક્ક્કો શીખવાડ

મા અહી દુનિયાના તીણા સવાલ મને કેટ્લીય વાર જાય વાગી
મા તારા ખોળામાં માથુ મૂકી પછી આપુ જવાબ જાય ભાંગી
મા તારા સ્પર્શે તો ત્રુણ થાય પહાડ… મા મને ક્ક્કો શીખવાડ

સૂરજને ચાંદાને તારા ભરેલા આ આભને કોણ સતત જાળવે
આવડુ મોટુ આકાશ કદી ઇશ્વરને લખતા કે વાંચતા ાઆવડે
મા તુ અમને બંનેને શીખવાડ….મા મને ક્ક્કો શીખવાડ

ખોટુ ના લાગે તો

ખોટુ ના લાગે તો વાત એક કહુ?
હુ થોડા દિવસ હવે તારામા રહુ?

કામમાં હશે તો હુ વાત નહી માંડુ
મૌનના ય કોઈ દિ ના છાંટા ઉડાડુ
શમણાનો કાયદો ય હાથમા ન લઊ …. હુ થોડા દિવસ હવે તારામા રહુ?

કોણ જાણે હિમ શી એકલતા જામી
વૈદો કહે છે કે હૂંફ્ની છે ખામી
કહે છે કે તારામાં લાગણી છે બહુ…….હુ થોડા દિવસ હવે તારામા રહુ?

રસ્તામાં કોઈ દિવસ કાંટા જો મળશે
મારી હથેળી પછી પગ તારો પડશે
તારામાં તારાથી આગળ નહી જઊ….. હુ થોડા દિવસ હવે તારામા રહુ?

કહેણ મને કોઈ બીજુ ભાવતુ નથી
મને સાચકલે મારામાં ફાવતુ નથી
એક ટીપાની ઇચ્છા કે દરિયો હુ થઊ…..હુ થોડા દિવસ હવે તારામા રહુ?