અલ્લડ છોકરીનુ ગીત – ૨

ફુંક મારું તો ઊડી જાય પથ્થર
વેણ બોલું તો ઢોળાય અત્તર
      સાત સપનાનુ આભ મારી પાસે
       હું તો નિકળેલી મોજના પ્રવાસે

મારી ડેલિયૂમા ઉગે પતાસા
ચાંદ રોજ મને મોકલાવે જાસા
શ્વેત અજવાળા પાથરું અમાસે…….હું તો…

કદી વાયરાને પાલવમાં બાંધુ
હુ તો માણસને માણસથી સાંધુ
નથી બારણું કે કોઇ મને વાસે…….હું તો…

ભલે સુરજ હો ધરતીનો ભાયડો
કદી માગે તો આપું હું છાંયડો
આમ તડ્કા પી જાઉ એક શ્વાસે….. હું તો…

જેના ખભ્ભા પર મોતીયોનો થેલો
એજ દરિયો બે આંખમાં ડૂબેલો
કોણ આંસુ કે મોતી તપાસે…….હું તો….

અલ્લડ છોકરીનુ ગીત

હુ તો કાગળને રંગતી, વાદળને રંગતી, રંગતીતી પડતા વરસાદને
હુ તો ફૂલોના સ્મિતમાં પંખીના ગીતમાં સાંભળતી કુદરતના સાદને….

એક વાર પાંચીકા આભ લગ ઉછાળયા કે સૂરજને લાગી નવાઈ
બદલામાં આકાશે તારા વરસાવ્યાને મારી આ ઓઢણી ભરાઈ
હુ તો સ્વપનની અટારીથી અધખુલ્લી બારીથી જોતીતી આથમતાં ચાંદને…

મમ્મીના ગીત હુ તો મનગમતા ઝાડવાની ડાળીઓને જઈને સુણાવતી
મુઠ્ઠીમાં સંઘરેલી વરસાદી વારતાઓ સુક્કા બગીચામાં વાવતી
હુ તો મોરલાની ગહેક સંગ ધરતીની મહેક સંગ ચાખતીતી પડતા વરસાદને…