વાટ ભલે દૂર દૂર ઊડ્વા તે ઝંખી

પંખીના બચ્ચાએ કીધું કે ચાલોને વાદળને પાણીથી ધોઇએ
પંખીએ ટહુકાના લ્હેકામાં કીધું કે એ માટે પાસપોર્ટ જોઇએ
વાટ ભલે દૂર દૂર ઊડ્વા તે ઝંખી ..આપણે તો પાંખ નહીં લાવેલા તડપંતા માનવપંખી

પાસપોર્ટ આવ્યોને બચ્ચાને લાગ્યું કે આવી ગૈ ઊડ્વાની પાંખ
પંખીએ કીધું કે સપનાને અડવામાં જોઇએ વિઝાની આંખ
વાટ ભલે દૂર દૂર ઊડ્વા તે ઝંખી..આપણે તો સરહદની વાડમાં ઝુરંતા માનવપંખી

વિઝાનું સિમત જોઇ પંખીના બચ્ચાએ આભ લગી માંડેલી મીટ
પંખીએ કીધું કે ધીરજ તો રાખ હજુ ઉડવાને જોઇએ ટિકીટ
વાટ ભલે દૂર દૂર ઊડ્વા તે ઝંખી..આપણે તો પિંજરને સાથે લૈને ઉડંતા માનવપંખી

Advertisements