કૃષ્ણનો પ્રેમસિંધુ

જ્પુ તો જપુ કૃષ્ણના નામ જાપો

હવે આ નયનમાં ફકત કૃષ્ણ વ્યાપો

મળે વાંસળી સુર એકાદ રાતો

અને કૃષ્ણની સાથ હો જન્મનાતો

 

બધી વાતનું કૃષ્ણ હો મધ્યબિંદુ

બધી ય તરફ કૃષ્ણનો પ્રેમસિંધુ

બધા શ્વાસ લખવા હવે કૃષ્ણ નામે

અને કૃષ્ણનું  સ્મિત હો આંખ સામે

 

ધરુ તો જીવન કૃષ્ણના એ ચરણમાં

હજો કૃષ્ણનું નામ હોઠે મરણમાં

મરીને પછી પણ જવું કૃષ્ણ પાસે

અને જાય જીવન ફકત કૃષ્ણ આશે

Advertisements

સિકંદર

હતાં બે’ક પ્રસ્વેદબિંદુ કપોલે અને ઝાંય આછી તરસની અધર પર

વિખેરી’તી ઝુલ્ફો બધીયે દિશામાં , બધીયે દિશામાં સુગંધોની ઝરમર

લઇને દુપટો એ હળવેથી વિંઝી, હતી ઝંખતી શીત વાયુની ફરફર

બન્યો ગૌર ચેહરો જરા સહેજ રાતો, હતો આંખ માટે ગુલાબી એ અવસર

 એ બળબળતી બપોરે તડકાઓ વેઠીને આવી હતી માપવા એક અંતર

મને એમ લાગ્યું થઇ આજ નક્કી હશે ચાંદ સાથે એ સૂરજની ટક્કર

 રખેવાળા શો તલ હતો ગાલ પરને હતું  સ્મિત જાણે લટકતું જ ખંજર

કરી વાત એણે અદાથી જ એવી મને ખૂબ વ્હાલુ જ લાગ્યુ’તું જીવતર

 મને છાયડાનો અનુભવ થયો’તો હુ ઝુમી ઉઠ્યો’તો થઇને તરુવર

મને ખોબલામાં બે ટહુકા મળ્યા’તાં, કે જાણે મળ્યુ’તુ આ જીવનનુ વળતર

 પછી તો એ હળવેથી ચાલી  ગઇને ભરાયા પછી મારી આંખોના સરવર

પછી તો દરેક પળ ઉનાળો બની ગઇ ને પછી તો મેં તડકાઓ વેઠયા ભયંકર

 હવે શ્વાસ જાણે કે ફૂંકાતી લૂ છે અને સૂર્ય સળગ્યા કરે મારી અંદર

હવે કોઇ ઝરણાં નહી કામ આવે ને વાદળની ઓળખ મટી ગઇ સદંતર

 મને મારી આંખોની આવે દયા છે, મે જૂઠુ જ એને કહ્યુ છે નિરંતર

જરુર આવશે એ ક્બર પર પરંતુ નહીં આંખ જોઇ શકે એને રીતસર

 

તમે પ્રેમ કરજો તો સાચો જ કરજો ભલે હોય એમાં પીડા સાથ કળતર

ભલે એક પળની મીઠી જીંદગી છે પરંતુ એ પળના તમે છો સિકંદર

ભાર

રેતીમાં ઘર બનાવતાં બાળકોના તૂટેલા ઘરોને પાછા બનાવી આપતો તું

વડીલોના જીવનનો વર્ષોનો ભાર હળવો કરી આપતો તું

હિમોગ્લોબીન અને હિંમત બંને તારા શરીરમાં

તું આત્મવિશ્વાસ નું સરનામું

મને સાહસનાં પાઠ મોંઢે કરાવનાર તું

એટલે જ મેં તને પુરા વિશ્વાસથી મારા લગ્નની કંકોતરી આપી

તું તો રેતીના ઘરની જેમ તૂટી પડયો

અચાનક હિમોગ્લોબીન અને હિંમત બંને હિમ થઇ ગયાં

તારો આત્મા મીણ જેવો થઇ ગયો , પીગળી ગયો

સાહસના શ્વાસ રુંધાઇ ગયાં

હું હજી વિમાસણમાં……. કે કાગળની એક કંકોતરીનો ભાર આટલો બધો?    

અવળી શિખામણો

અઢળક સૂરજ અમે ડૂબાડ્યા, તું પણ નવા ડૂબાડ
માણસાઇ ચૂલામાં છે તું અગ્નિ નવો લગાડ

પ્રેકટીકલ બનવાથી ખીલે અમનચેનના સુખ
ગામ ભાડમાં જાય છો ને કૂવે ભરતું દુ:ખ
ટાલ હોય તો કેવી રીતે વાંકો કરશે વાળ
ઠંડા પીણા પીને કહેવું ક્યાં છે અહી દુકાળ

ફાઇવસ્ટાર આકાશ તમારા છતની નીચે બીવે
જીણાં જીવડાં ખાઇ છોને ગરીબ બાળક જીવે
ફર્નીચરની સાથ કરો સહુ રુમનુ વેવિશાળ
સાંભળવા ના જાવું છોને ચીસો પાડતી ડાળ

પાણી પાસે કરાવતો રહે પરપોટાની વેઠ
તો જ તારી કીર્તિ જાશે સ્વર્ગલોકની ઠેઠ
પ્રોફેશનલ ના બની શક્યો તો કિસ્મત ગબડી જાશે
ઇમોશનલ ના રહી શકયો તો જીવ જ ફાડી ખાશે

બધા લાગણીવેડા ફરતે કર બુધિધની વાડ
તારી ખીણો સંતાડી તું ખોદ બીજાના પહાડ