સુખનું સેલ

એક મિત્રે આવીને કહ્યું ૫૦ ટકા ડીસકાઊંટ માં સુખનું સેલ લાગ્યું છે. અમે તો કાલે જ જવાના છીએ એટલું કહી એ તો ગયા . તે મારી સામે જોયું એટલે મેં કહ્યું કાલ આપને પણ જઈ આવીએ . પહેલી વાર સુખનું સેલ હતું. અમે ગયા બહુ જ લાંબી લાઈનો . મેં પૂછ્યું અહી શું મળે ? તો લાંબી લાઈનમાંથી કોઈ બોલ્યું : ગ[ડી , બંગલા , વિશ્વ ની ટુર, પદ, પ્રતિષ્ઠા , પૈસો , ડાયમંડ , સોનું અને બધી જ લકજરી.. પણ મળતા વાર બહુ લાગે . એટલામાં કોઈએ કહ્યું આગળ પણ કોઈ સુખનું સેલ છે પણ કોઈ ત્યાં જતું નથી કારણકે ચાલીને જ જવાય છે વાહનનો પરવાનગી નથી. દુર ઘણું છે . તે મને ઈશારાથી કહ્યું ચાલો ત્યાં જૈઈયે . તાપ અસહ્ય હતો. ચાલતા ચાલતા તારો ચહેરો તો ગુલમ્હોર જેવો લાલ લાલ થઇ ગયો હતો. આ રસ્તે કોઈ જતા દેખાતા ન હતા . ગળે શોષ પડતો હતો. એક નાનો જાપો હતો ધીમેથી ખોલીને અંદર ગયા ઘટાદાર બે વ્રુક્ષ હતા ચોખ્ખો ઓટલો હતો. આપણે બેઠા . ઠંડો પવન ફૂંકાયો ને આપણા ચહેરા પર આનંદ ની રેખાઓ ઉપસી આવી. નીરવ શાંતિ હતી. કોલાહલો વચ્ચે તરફડતા આત્મા ને જોઈએ તેવી શાંતિ એક વૃદ્ધ પુરુષે આવીને ઠંડુ જળ પીવડાવ્યું . એની આંખોમાં અજબની શાંતિ હતી તે એમને પૂછ્યું બાબા અહી ક્યાં પ્રકારના સુખ મળે છે ? તે બોલ્યા માંહ્યલો રાજી થાય એવા. આગળ જાઓ સરસ જરનું વહેતું હતું .આપણે બહુ મજાથી પાણી ઉડાડ્યું . આગળ જમવાની સગવડ હતી. દરેક કોળીયે ખબર પડે કે આટલી મીઠાશ આપણે પહેલા કેમ ચાખી નથી? પીરસનાર દરેક એમ જ કહે કે શાંતિથી અને સંતોષથી જમજો. જેમ જેમ ખાતા ગયા વિચારો બદલાતા ગયા . જીવન જીવવાનો નવો ઉત્સાહ જાગતો ગયો. પાછા વળતા પેલા વૃદ્ધ પુરુષને વંદન કાર્યા. તેમણે કહ્યું અમે તો શાંતિ અને સંતોષ , પ્રેમ અને કરુણા જ હૈયાની પોટલીમાં ખબર ના પડે એમ બાંધી આપીએ છીએ . આપણે બહાર નીકળ્યા ઘર તરફ આવવા ને મને રસ્તા માં યાદ આવ્યું કે સામેવાળા કાકાને બહુ ઉધરસ આવે છે તો મધ અને સીતોપલાડી લેતા જૈયે અને તે કહ્યું કામવાળીના બે બાળકોની ફી ભરીને જ ઘરે જૈયે . આપણા ચહેરા ઉપરનો સંતોષ જોયા વગર નીચે વાળા આપણને પૂછવા લાગ્યા કેમ સુખના સેલમાંથી કશું લાવ્યા નહિ?
મુકેશ જોશી

Advertisements

સંવાદ

તું મને કહેતી હતી કે કોઈ સરસ સંવાદ સંભળાવો ને મેં વાત માંડી
એક વાર કોડિયું અને લાઈટર વાતો કરવા બેઠા . કોડીયે કહ્યું ભાઈ નસીબદાર છે તું. એક તો અજવાળાની મિલકત છે ઉપથી લોકો જ્યાં જાય ત્યાં તને સાથે લઈ જાય છે. કોઈના ખિસ્સામાં તો કોઈ ના પાકીટમાં તારું સ્થાન છે તને તો દેશ અને દુનિયા જોવાનું સૌભાગ્ય પ્રાપ્ત છે . તું કામ પણ બહુ જડપથી કરે છે. આટલું સાંભળીને લાઈટર ઉદાસ થઇ ગયું . કોડીયા એ પ્રેમથી પૂછ્યું
આટલું ઉદાસ કાં? અને લાઈટર બોલ્યું : અજવાળું તારી પાસે ય છે ને મારી પાસે ય છે પણ તું દીવાનો પ્રકાશ છે ને તારામાંથી લોકો અગરબતી કરે છે મારો ઉપયોગ લોકો ફુંકવા માટે કરે છે . ખરેખર તો તું પ્રગટે છે જયારે હું સળગું છું,.
તું ભગવાન ના મંદિરમાં રહે છે ને હું લોકોના ખિસ્સામાં .
તારા અજવાળે વાંચીને લોકો જીવનની અનેક સિદ્ધિઓ હાંસલ કરે છે મારા અજવાળે કોઈ એસ એસ સી પણ નથી થતું . તારા દીવાથી છેવટે આરતી થાય છે અને લોકો આશ્કા લે છે .
તને અખંડ રાખવા લોકો ઘી કે તેલ પૂરે છે . મારું તો કામ પતે કે તરત બુજાવી નાખે છે .
પછી મેં તને કહ્યું જો ને સમાજમાં કોડિયા કેટલા ઓછા છે ને લાઈટરો કેટલા બધા નહિ ?
સાંભળીને તું રાજી થઇ ને દીવો કરવા પુજાના રૂમમાં ચાલી ગઈ. ને તારા ગયા પછી મેં ટીપોય નીચે પડેલું લાઈટર ઉઠાવ્યું .
મુકેશ જોશી

એડ્રેસ

પાડોશીનું બાળક રમતું રમતું ઘરમાં આવી ચઢે છે તું સોફા પરથી નીચે બેસે છે અને તરત તે તારા ખોળામાં
જેમ એક રાજા હકથી અને અદાથી ગોઠવાય એમ બેસી જાય છે . ઘરમાં નિર્દોષતાનું શાશન થોડી ક્ષણોમાં
સ્થપાઈ જાય છે . એ ખોળામાંથી ઉઠીને રમવા દોડે છે , પણ જેમ સંગીતકાર પાછા સમ પર આવી જાય એમ
એ ગમે ત્યાંથી પાછું તારા ખોળામાં આવી જાય છે તું ઉઠીને નાસ્તો લાવે છે પણ એ તો ડીશમાંથી ખાવાને
બદલે તારી અને મારી સામે ટગર ટગર જોયા કરે છે . એને પૂરી ખબર છે કે તું એને જરૂર ખવડાવશે .
હું એના જેવો શ્રદ્ધાવાન ક્યારે થઈશ એવો વિચાર આવે છે અને તું ડીશમાંથી લઈ એને ખવડાવે છે . હું એને ખભા
ઉપર ઊંચકીને ફેરવું છું . કાગડા ના ચકલીના અને વાઘ સિંહ ના અવાજોથી હસાવવાની કોશિશ કરું છું . એ રમે
પણ છે પરંતુ મારા ખભા કરતા તારા ખોળામાં એનું મન પરોવાયેલું રહે છે .
ખભો આકાશ આપી શકે અને ખોળો ધરતીનું વાત્સલ્ય .
એને ચકલીના અવાજો કરતા તારા પ્રેમાળ
હાવભાવમાં રસ છે . માનો ખોળો મંદિર ના ગર્ભગૃહ જેટલો પવિત્ર હોય છે એવું એ બોલતું નથી
માનો ખોળો એ તો દરેક ઘરમાં ઈશ્વરે આપેલું શાંતિનિકેતન છે એ તો એના રમતિયાળ ચહેરા પર લખેલું હોય છે

નવાઈ માત્ર મને એટલી લાગે છે કે એ માં વગરના બાળકની તું સાચ્ચે સાચ મા હોય એમ વર્તે છે ત્યારે થાય છે
ઈશ્વરના અનેક એડ્રેસ માં એક એડ્રેસ મારા જ ઘરમાં છે એ મને કેમ આટલું મોડું સમજાયું?

મુકેશ જોશી

રસોડાના અવાજો

મેં તને કહેલું ચલ રસોડામાં બે સારા સ્પીકર મુકાવી દઈએ જેથી તને રસોઈ કરતા સારું મ્યુજિક સાંભળવા મળે
તું ખડખડાટ હસી પડી .ને બોલી મારે રસોડામાં કોઈ કંપનીની જરૂર નથી . રસોડાના અવાજો જ મારા દોસ્ત છે
હું વિચારતો થઇ ગયો, ને પછી યાદ્દ આવ્યો નળના ટપકવાનો ટપ ટપ અવાજ . કડાઈમાં ફરતા ચમચાનો ગરમ અવાજ .
તેલમાં પાણી પડવાથી થતો તડ તડ અવાજ , હિંગ વાળા વઘારનો છમ અવાજ . કૂકરની સીટી નો મોટો અવાજ
કોફીના કપમાં ફરતી ચમચીનો કોમલ ધ જેવો અવાજ , તવી અને સાણસીનો એકસૂર થતો અવાજ . વાસણોનો ખણ ખણ અવાજ .
જો કે આ બધા અવાજો તો યાદ આવ્યા જ
પણ રોટલીની સાથે શેકાતા ટેરવાનો અવાજ કદી સાંભળ્યો જ નહિ .
તેલના ટીપા ચામડી પર પડ્યા તેનો ચિત્કાર સાવ ભૂલાઈ જ ગયો . દુખતા શરીરની તૂટનનો અવાજ કાન સુધી પહોચ્યો જ નહિ .
ફૂટેલી રકાબીના અવાજ થી પરિચિત થયા પણ તૂટેલા મન સાથે બંધાતા લોટમાં કણસવાનો અવાજ દબાઈ ગયો .
થાળી પીરસાઈ એની સાથે કેટલા બધા અવાજો ય પીરસાયા . છતાં આપણે કદી એક અવાજે એટલું ય ન કહ્યું
કે આજે જગતનું શ્રેષ્ઠ ભોજન જમવાનો આનંદ થયો . કારણકે બહારના રૂમમાં વાગતા મ્યુજિક માં પેલા નાના અવાજો
ઉદાસ થઈને ચાલ્યા ગયા ને તું પીડાનો અવાજ ન સંભળાય તેમ રસોડામાં પૂરાઈ ગઈ

યાત્રા

તું સરસ સિતાર વગાડે છે . કદાચ તારા વર્ષોની મહેનત રંગ લાવી રહી છે .
એમાય જયારે તું સજી ધજીને હાથમાં સિતાર લઈને બેસે છે ત્યારે એ જ સમજાતું નથી
કે આ આંખ નો જલસો છે કે કાનનો .. જેમ જેમ સુર રેલાતા જાય છે , જગતના કોલાહલો
શાંત થતા જાય છે . કોઈ અજીબ શાંતિનો અહેસાસ ચારે બાજુ ફેલાતો જાય છે
કોઈ મોટો મહેલ જોવા જઈએ ને દરેક ઓરડાની નિરાળી શોભા હોય , એનો ઠાઠ અલગ હોય
એનો ભપકો જુદો હોય અને એક રૂમમાંથી બીજામાં જતા આપણો મુડ પણ બદલાતો જાય
બસ એવું જ બને છે તું એક રાગમાં થી બીજા રાગમાં પ્રેવેશ કરે છે ત્યારે .
એક વાર તે સિતાર વાદન કરીને મને કહેલું : ચલ હવે તારો વારો . ખરેખર મુંજવણ થઇ
મારી પાસે એકતારો હતો .હિંમત કરીને હાથમાં લીધો
હાથમાં લઈને પહેલા મીરાબાઈ નું અને પછી કબીર સાહેબનું ભજન
આંખ બંધ કરીને ગાયું . તારી આંખો છલકાઈ ઉઠી . ને તે કહેલું
હું રાગ નો પ્રવાસ કરું છું તું વિરાગની યાત્રા કરાવે છે
એકમાં ખોવાઈ જવાય છે તો બીજામા ખોવાયેલી જાત પાછી જડી જાય છે
એકમાં પ્રસન્નતા નો પ્રસાદ છે તો બીજામાં પ્રસાદની પ્રસન્નતા
ને મેં કહેલું : રાગ અને વિરાગ વચ્ચે એને રમવું ગમે છે
ખોવાઈ જવું અને જડી જવાની રમત કરવાની એને મજા આવે છે
તું ન માનતી હોય તો કઈ નહિ પણ એક દિવસ જોજે એ મારી પાસે સિતાર વગડાવશે અને
તારી પાસે એકતારા પર ભજન સાંભળશે
મુકેશ જોશી

પાણી

તું નદીના પાણીમાં પગ બોળીને બેઠી હતી . બર્ફીલું વાતાવરણ હતું . મારાથી અચાનક પૂછાઈ ગયું
બરફ અને મારામાં સામ્ય શું? તું જોઈ જ રહી . મેં કહ્યું સાવ સિમ્પલ છે .
તું બરફ ને હાથમાં લે કે મારો હાથ ..
થોડીક વારમાં જ અમે બંને પાણી પાણી થઇ જઇયે છીએ .
તે પણ સહજતાથી પાણી ખોબામાં લઇ
મને પૂછ્યું : પાણી નો રંગ કયો?
હું તો વિચારમાં પડી ગયો ને તે કહ્યું ના ખબર હોય તો ઢાકણીમાં પાંણી લઇ ને ડૂબી મર .
મેં દબાતા સ્વરે કહ્યું ઢાકણી કરતા તારી બે પાંપણના દરિયામાં ડૂબી મરું તો કેમ?
તારો જવાબ પાણીમાં તરતો તરતો આગળ વહેવા લાગ્યો .
પછી મેં તને જાકળ ના બિદુઓ માં તરફડતા કિરણોની કથા કહી
પછી તે મને દરિયાને તડપાવતા ચંદ્ર કિરણોની વ્યથા કહી
તે પાણીમાં બોળેલા પગ બહાર કાઢ્યા તો સાથે અર્ધી નદી પગમાં લપેટાઈ ગઈ હતી
આજુબાજુના ઘાસ ની તરસ વર્ષો પછી મટી .
તે છેવટે બહુ જ વ્હાલથી મારી સામે જોયું . ને વાદળ ઉમટી આવ્યા
જળની ધાર .. જલ બંબાકાર .. મારા અસ્તિત્વ પર જળનો જયજયકાર

જ્યારથી રણમાં મારી બદલી થઇ છે ત્યારથી આ પાણી ના સપનાઓ મારો પીછો છોડતા નથી

મુકેશ જોશી

સુગંધ

તે દિવસે તારી હથેલીમાં એક ફુલ દોરેલું . સ્કેચ પેનો લઈને . નવી જ ડિજાઈન દોરી
ફુલ દોરાંઈ ગયા પછી તે પૂછ્યું કે સુગંધ વિનાનું ફુલ?
ને હું દો ડી ને અત્તરની બાટલી લઇ આવ્યો .
તે ના કહી .
હું પારીજાત નું ફુલ લઇ આવ્યો ને કહ્યું થોડીવાર હાથમાં પકડી રાખ
તે ના કહી
હું નીલગીરીના પાન લઇ આવ્યો .
તે ના કહી .
હવે?
મેં અસહાય થઈને તારી સામે જોયું તારા ચહેરા પર તો એજ સ્મિત .
ફૂલ દોરી શકાય છે , એનો રંગ દોરી શકાય છે
પણ આ સુગંધ તો કેવી રીતે દોરવી ? તારે માટે ખેલ હતો ને મારી બુધ્ધિ આથમતા સુરજ જેવી થતી હતી
છતાં એમ હારવાનું મન ન હતું પછી મેં બધી સુગંધ ને યાદ કરી જોઈ . તુલસી ફુદીનો, આદુ ખાખરાના પાન ,
અવાવરું ઓરડા , ફીનૈલ ની ગોળી , પેટ્રોલ , નવજાત બાળકનું શરીર, અગરબત્તી , કપૂર , ઘી નો દીવો .. પણ
કશું કામનું ન હતું . તારે સાંજ પેહલા નીકળી જવાનું હતું અને આકાશ જાખું થઇ ગયું હતું . તું નીકળી ને મેં ધીમેથી તારી
હથેળી ખોલી ને છેલ્લી વાર એ ફુલ જોઈ લીધું . આંખ ભીની થઇ હશે તે એક આંસુ એમાં પડી ગયું

બીજા દિવસે તારો ફોને આવ્યો દોસ્ત પ્રેમ થી દોરાયેલા ફુલની વચ્ચે આસુની સુગંધ જિંદગીભર યાદ રહેશે .
ત્યારે ખબર પડી કે આસુ પણ સુગંધીદાર હોઈ શકે
મુકેશ જોશી