મેઘધનુષ

જીવનના 25માં વર્ષે એક કૌતુક થયેલું તે દિવસે એણે મને કહેલું કે આજે તારી સાચી ઓળખ મારા મમ્મી
અને પપ્પાને કરાવવી છે . હું ખુશીનો ડ્રેસ પહેરી એના ઘેર ગયો . એણે કહ્યું પપ્પા આ બહુ સારો કવિ છે અમારા
કોલેજમાં પણ એની કવિતાઓ વાંચીને બધા બહુ ખુશ થાય છે ભાષા ઉપર એનો સારો કાબુ છે . એના પપ્પાએ કહ્યું
વાહ આ તો ખુશી ની વાત છે . અમે ખુબ રાજી છીએ . પરિચય કરાવીને એ અંદર ગઈ પછી એના પપ્પાએ કહ્યું કવિરાજ
ખાસ તો એ કામ છે કે તમારે મારી દીકરીની કંકોત્રી લખવાની છે .

દર્પણ તૂટવાનો અવાજ મેં સાંભળેલો પણ આકાશ તૂટવાનો અવાજ પહેલી વાર . ઘણી હિમત કરીને લખી
એ ય ધ્યાન રાખ્યું કે અનુસ્વાર ઉપર ક્યાંક આંસુનું ટપકું ન પડી જાય . બે લીટીઓ વચ્ચે કોઈ ડૂમો ડોકિયું ન
કરી જાય . છેલ્લી લાઈન લખતા પહેલા એક વાર ખડખડાટ હસી લીધું એ હસવાનું સાભળીને એ લોકોને ય નવાઈ લાગી

જીવનનમાં પહેલી જ કંકોત્રી લખી . ઘેર આવ્યો . માં એ પૂછ્યું — કેમ કંકોત્રી લખવા ગયો હતો? મેં ડોકું ધુણાવ્યું . માં એ
આગળ ચલાવ્યું– તો તો આજે તને જમવાની ભૂખ નહિ હોય મેં પાછું ડોકું ધુણાવ્યું .તે આગળ બોલી –છતાં દૂધ ને ફ્રુટ રાખ્યા છે ખાઇશ તો જ ટકીશ .

પછી બોલી – હું તો અભણ છું તો ય તારી આંખો છેલા પાંચ વર્ષથી વાંચીને સમજી ગઈ હતી ને એ તો
ભણેલી હતી એને તારી આંખો વાંચવાનો સમય જ ન મળ્યો કે શું?

આજે પણ લોકો મારી પાસે કંકોત્રી લખાવા આવે છે ત્યારે વિચારું છું કે બે જણા વચ્ચે જયારે મેઘધનુષ રચાતું હોય છે ત્ય્રારે
કોઈકની રંગ ભરેલી થાળી ઢોળાઈ પણ જતી હોય છે અને ત્યારે પેલો 25 વર્ષ વાળો યુવાન મારી અંદરથી પૂછે છે આ તો
બીજાની કંકોત્રી છે હજી હાથ કેમ ધ્રુજે છે ?
મુકેશ જોશી

Advertisements

રખડતું શહેર

ડોકટરે કહ્યું આજે રખડવા નીકળતા નહિ એટલે ફરજીયાત ઘરે બેસવું પડ્યું . સાંજ પડી જીવ અકળાવા લાગ્યો . પછી ચમત્કાર થયો રીતસર નો ચમત્કાર . શહેર મારામાં ફરવા નીકળ્યું . જે બગીચાની સુગંધ બહુ ગમતી તે બધી ભેગી થઈને આવી. રાતરાણીએ ડાબું અને પારીજાતે જમના ફેફસામાં જગ્યા જમાવી . ગુલાબ અને મોગરાની તથા ચંપા અને ચમેલી એ બહુ વિનંતી કરી એટલે ટ્રેનની ચોથી સીટ જેટલી જગ્યા એ બે જણીએ કરી આપી.. નસોમાં નેનો થી લઈને મર્સીડીજ જેટલો વિચારોનો ટ્રફ્ફ્ફિક હોર્ન વગાડતો વગાડતો નીકળ્યો . રસ્તમાં પડતા પગલાઓ છાતીના ધબકારા ની લગોલગ ગોઠવાઈ ગયા . ભેળની સુગંધ ક્યાંકથી આવી ચઢી ને આખી ચોપાટીએ મને ઘેરી લીધો
જે દરિયે બહુ ગમતો તે પોતે આંખોમાં આવ્યો .ને કાકા જેમ ટેસથી બાકડા પર બેસે તેમ એ પણ આંખોમાં બેઠો મોજા જેવા પગ લાંબા ટૂંકા કરતો . પછી તો ભિખારીનો ચેહરો , મંદિરનો ઘંટ , કુલ્ફી વેચતો ફેરિયો , ચાલી જતા અનેક લોકો , દુકાનોના ચળકતા પાટિયા સહુ પોતપોતાનો રોલ કરીને પસાર થઇ ગયા મારી અંદરથી. અંધારૂ થવા આવ્યું એટલે આખરે ઉઠ્યા સહુ . આપણે જયારે કઈ શકતા નથી ત્યારે ખુદ શહેર મળવા આવે એ વાતે હું તો રાજી રાજી થઇ ગયો બધાને વળાવ્યા . છેલ્લે દરિયો નીકળ્યો . જતા જતા એણે કહ્યું : તારી આંખો રહેવા લાયક છે . રોકાવાની મજા પડે તેવી. આ બધાની તો ખબર નહિ પણ હું તો અવારનવાર આવતો રહીશ. ચાલશે ? ને સ્મિત કરીને મેં હા પાડી ટપ ટપ .. મુકેશ જોશી

કેટલાક અવાજો

કેટલાક અવાજો ને આકાર હોય છે અને કેટલાક ને ધ્વની પણ નથી હોતો. જેનો અવાજ સાંભળવાથી કાનમાં મધનો વરસાદ થતો હોય એવા અવાજો જીવનમાં બહુ ઓછા સાંભળવા મળે છે . વરસાદમાં ધરતીની પ્રસનતા નો અવાજ અને રસોડામાંથી જમવા માટે બોલાવતી મમ્મીનો અવાજ સરખા જ હોય છે ભાવભીના અને ભૂખ ભાંગે એવા .પ્રથમ હેપી બર્થ ડે નો અવાજ છેલ્લે રામ બોલો ભાઈ રામ અવાજમાં દબાઈ જાય છે સ્મિત ને પ્રમોશન મળે છે ત્યારે તે ખડખડાટનો ખખડાટ કરે છે અને આંસુનું પ્રમોશન થાય છે ત્યારે ડુસકા ના અવાજમાં રૂપાંતર થાય છે . મેં એકવાર મારા કાનને પૂછેલું કે તારી પાસે મારા ખડખડાટનું પરચુરણ વધારે છે કે ડુસકા ના ડોલર ? લાગે છે એક કાને મારી વાત સાંભળીને બીજા કાનેથી કાઢી નાખી હશે . પણ રાતે કોઈ ગમતું ગીત ગણગણીને સુઈ જાઉં છું અને સવારે ઉઠું છું તો અંદરથી ઓમ નો અવાજ આવતો હોય છે મારે તો એટલુ જ જાણવું છે છે કે રાતે મારા ગીતનો તરજુમો ઓમ માં કરવા આવ્વનાર નો અવાજ મને કેમ સંભાળતો નથી?

ત્યારે ત્યારે મજા પડે છે

ત્યારે ત્યારે મજા પડે છે

આકાશ વરસતું હોય ત્યારે મોઢું ખોલીને સીધું પાણી પી લઈને થોડું નીચે પડે છે
ત્યારે ધરતી કદી આ પાણી તે એઠું કેમ કર્યું એવું નથી કહેતી .. પીવા દે છે . ત્યારે મજા પડે છે

કાંદા કે કેળાના ભજીયા ખાતા ખાતા વચ્ચે એક લવિંગીયા મરચાનું ભજિયું ખવાઈ જતા
આંખમાં પાણી આવી જાય છે અને જીભ ચચરી ઉઠે છે ત્યારે મજા પડે છે

જમવાના પહેલા કોળીયે જ ઉધરસ આવે છે અને તું પૂછે છે કોણ યાદ કરે છે . ત્યારે કોણ યાદ કરતુ હશે
એવા ગુલાબી ખયાલમાં ખોવાઈ જવાનો જાપો ખુલે છે ત્યારે મજા પડે છે

કાલિયા કુતરાને ઠંડી રોટલીને બદલે ગરમ ખવડાવીએ તો જ ખાય છે એ જોવા મળે છે
ત્યારે મજા પડે છે

ઓફિસથી છૂટવાના સમયે પણ સાથે કામ કરતી સ્ત્રીઓ લીપ્સ્ટીક કરી , વાળ સરખા કરી, જરાક સરખો મૂડ બનાવી
હવે રસ્તે મળનારા લોકો માટે સરખી તૈયાર થઈને નીકળે છે ત્યારે મજા પડે છે

મંદિર ના એક ખૂણે ફુલની માળા બનાવતા દાદીમાને દર્શન કરતા માળા બનાવ્વાના કામમાં ખોવાઈ જતા જોઉં છું
ત્યારે મજા પડે છે

કોઈ ગમતું ગીત હું ગણગણતો હોઉં ને ખરે ટાણે જ પંક્તિ ભૂલી જાઉં ત્યારે બાકીનું તું ગાય છે ત્યારે મજા પડે છે

કોઈ જોક્સ કે હાસ્યની કણિકાઓ થી રાજી થતું ઓડીયન્સ કોઈ ગંભીર વાતે આંખમાંથી આંસુ વહાવે છે ત્યારે મજા પડે છે

ભૂલાઈ ગયલી નોટ મળે છે અને એમાં મુકેલી ગુલાબની સુકી પાંદડીઓ હાથમાં લેતા આખી કોલેજની લોબી
આંખ માં લટાર મારવા આવી હોય એવું ફિલ થાય છે ત્યારે મજા પડે છે

પહેલા દિવસે નર્સરીમાં જતા બાળકને મુકવા માટે મમ્મી અને પપ્પા બને રજા લે છે અને સ્કુલના જાપે આંસુ સભર મુકીને ઉભા હોય છે ત્યારે એ જોવાની મજા પડે છે

સાસરેથી પહેલી વાર પિયર આવેલી દીકરી મમ્મીના વાળમાં તેલ ઘસી આપે છે અને પપ્પા અને દીકરી વાતે વળગે છે ત્યારે
ઘરની ભીંતો ને હસતા જોઉં છું ત્યારે મજા પડે છે

દરિયા કિનારે બે પ્રેમીઓ પ્રેમને બદલે પડોશીઓના કિસ્સા લઈને માથાકૂટ કરતા હોય ત્યારે દરિયાનું હસવું રોકાતું નથી .
એવે સમયે હસતા દરિયાને અને મૂંગા પ્રેમીઓને જોવાની પડે છે

ફેસબુક માં મારા લખાણો વાંચીને રાજી થતા ફેન્સ ના મેસેજ વાંચીને રાજી થાઉં છું પણ હજી મારા લખાણો માં કચાશ છે
એમ સમજીને કેટલાય વિવેચકો લાઇક કરતા ખચકાય છે એ જોવાની મજા પડે છે

અને આ દોરનો છેલ્લો લેખ મુકીને વાચકોને આવજો કહેવાની મજા પડે છે

મુકેશ જોશી

પ્રિય કાળદેવતા

પ્રિય કાળદેવતા

જન્મ્યો ત્યારે જીવનનું પ્રયોજન શું છે એ ખબર ન હતી . સ્વભાવિક છે કે શિશુ અવસ્થા હતી પરંતુ
અર્ધી જિંદગી જીવ્યા પછી પણ એ પ્રશ્ન ઉકેલાયો નથી . આવી શિશુ અવસ્થામાંથી બહાર કેમ આવવું
એ સમજાતું નથી

સ્કુલમાં ચારે દિશાની સમજ આપવામાં આવતી . કયું સ્થળ કઈ દિશામાં આવ્યું તે પણ શીખવાડતા પરંતુ
આજે હું કઈ દિશામાં ચાલુ છું એ વિષે હજુ નક્કી નથી થતું . મારી દિશા સાચી છે કે ખોટી એનો રેડીમેડ જવાબ કોઈ જગ્યાએ મળતો નથી

હજી જગતના ચળકાંટો થી અંજાઈ જવાય છે ન જોઈતી ચીજો લઇ અવાય છે ને કાલે જોયું તો ખબર પડી
કે મન ના માળીયામાં ઘણો નકામો સમાન પડ્યો છે અર્ધી જિંદગી ભેગું કરવામાં ગઈ છે તો સાફસફાઈ માં બીજી
અરધી વીતી જશે અને સાચું જીવવાનું રહી જશે એવો પ્રશ્ન ઉભો થયો છે

બે પાચ કવિતા, અર્ધી ચપટી યશ , ને બે ચાર પૈસા આવ્યા પછી હું મારી જાતને ધન્ય ગણ્યા કરું છું પણ કરોડો
લોકો આ વિશ્વમાં છે એમાંથી જે થોડાક સામે મળે છે એમને હું પ્રેમાળ સ્મિત આપી શક્યો નથી .
કરુણા અને આંખ વચે ખાસ્સું અંતર રહ્યા કરે છે મને લાગે છે મેં માનવતાની પોસ્ટ ઉપથી ક્યારનું રાજીનામું આપી દીધું છે
દોડવામાં ને દોડવામાં શ્વાસ લેવા અને જીવવું એ બે જુદી ઘટનાઓ છે એ ભૂલી જવાયું છે

આટલી હકીકત જણાવ્યા પછી માત્ર એટલું જ ઉમેરવાનું કે હું મારી ભૂલો સુધારી લેવા પ્રતિબદ્ધ છું
આકાશનું ટયુશન રાખવાનો વિચાર કર્યો છે વૃક્ષો સાથે ઉઠકબેઠક વધારી દેવાનો મનસુબો કર્યો છે
માની આંખોમાંથી કરુણાનો ધોધ જીલતા જલદી શીખી જવાય એવા પ્રયત્નો કરવા છે . કાલના દાણા
કાલે મળશે જ એવી શ્રદ્ધા રાખતા પંખીઓને દોસ્ત બનાવી દેવા છે

બની શકે કે છેલો બેલ પડે એ પહેલા હું મારું પેપર બરાબર લખીને હસતો હસતો બહાર આવું બસ એના માટે
તમારા તરફથી બેસ્ટ ઓફ લક ની અપેક્ષા રાખું છું
જો કે અત્યારે તમે મને શ્વાસ લેવાનું એક્ષ્તેન્શન આપ્યું છે એનો અભાર માનું છું .

લિ
વિશ્વાસ માંથી શ્રદ્ધા તરફ ચાલતા એક યાત્રી ના વંદન