ભૂખ્યા જનોનો

કેટલાક લોકોને આકાશમાં ઉડવા કરતા આકાશ ખરીદવામાં રસ હોય છે કેટલાક ધરતીના ખોળામાં રમવા કરતા એને ખોદવામાં રસ ધરાવે છે . જો સમંદર ને તેડીને ઘરે લઇ જવાતો હોત તો આપણે એને જોવા કોઈ મોટા નેતાઓના ઘરે ચક્કર મારતા હોત
સારું છે કે ટહુકાઓ કોઈના ગલ્લામાં જમા નથી થતા અને સાંજ કોઈના લોકરમાં કેદ નથી થતી . સારું છે કે સૂર્ય ઉપર કોઈએ પોતાના રાઈટસ જાહેર નથી કર્યા . આ એટલા માટે કે પાણી જે કુદરતે મફત આપેલું એ પીવા આજે પૈસા આપવા પડે છે . હવા ખાવાના પણ રોકડા ચુકવવા પડે છે . (અલબત્ત હવા ખાવાના સ્થળોએ ) .
પછી એક દિવસ એવો આવશે કે આકાશ સામે જોવાના પણ પૈસા દેવાના ને જેટલા ડગલા ધરતી પર ચાલ્યા એ ગણીને એના પણ ચુકવી દેવાના પછી સમંદર સામે તાકી રહેવાના કે ટહુકાના વનમાં બેસવાના આપવા પડશે પછી તો આખા દિવસમાં જેટલા શબ્દો બોલ્યા , જેટલી વાર હસ્યા, ખુશ થયા એની ગણતરી કરતું મશીન જ આપના ગળામાં પહેરાવી દેવાશે .એ મુજબ ખાતામાંથી પૈસા કપાઈ જશે . જો કે નેતાઓને સેવાના કામો કરવા બદલ આ બધામાંથી મુક્તિ મળશે પછી પ્રજા ચુપ થઇ જશે કેમકે બોલે તો પૈસા દેવા પડે . પછી પ્રજા હસી નહિ શકે કેમકે હશે તો પૈસા દેવા પડે. ખુશ પણ નહિ થઇ શકે નહી તો બીલ વધારે આવે. પછી રાજ કરનારાઓને જલસો . પછી વિરોધ કરવા સરઘસ કાઢવા પાંચ દસ વર્ષની મિલકત ગુમાવવી પડે એટલે કોઈ તૈયાર થાય નહિ . પછી .. પછી ? પછી શું? પછી કવિ શ્રી ઉમાશંકર જોશી ની પંક્તિઓ
જાતે જ દેવતાઈ રૂપ ધારણ કરશે
ભૂખ્યા જનોનો જઠરાગ્ની જાગશે , ખંડેરની ભસ્મ કણી ના લાધશે

Advertisements

જાંબુના ઝાડ

દીપક બચપણનો ભેરુ ભરાવદાર, હસમુખો અને સાહસી અમે જાંબુના ઝાડ નીચે લેસન કરતા
એનું ગણિત કાચું એટલે એની નોટમાં હોમવર્ક ના દાખલા હું કરું એ ઉપરથી જાંબુ ફેકે કારણકે ઝાડ
પર ચઢવામાં હું કાચો . હું એને કહેતો કે આપણે બંને ગયા જન્મે મગર અને વાંદરા હોઈશું
એ ક્રિકેટમાં મને હંફાવીને દમ કાઢી નાખતો . એનો પહેલો દાવ આવે તે દિવસે મારા ભાગ્ય પર
મને દયા આવતી

એક દિવસે મને કહે આજે તારો પહેલો દાવ બંદા તો રાજી રાજી . બેટ વડે ધોલાઈ શરુ કરી
એક બોલને તો ખાસો દુર મોકલી આપ્યો ને મેં રન લેવાની શરૂઆત કરી પાચ દસ વીસ પણ દીપકનો
થ્રો આવ્યો નહિ એ બોલ ખોળતો હતો બસ મેં દોડ્યા કર્યું પુરા 100 રન કરી લીધા હજી દીપક ત્યાજ હતો
સો રન કરી હું એની પાસે ગયો . મેં કહ્યું કેમ થાકી ગયો ને .. એ બોલ્યો થાક નથી લાગ્યો પણ મને બોલ દેખાતો
જ નથી . મેં કહ્યું આ સામે તો પડ્યો છે લઇ લે,, તો ય એને ના દેખાયો રમત અટકી . એના માથે પરસેવો હતો
એ ધ્રુજતો હતો . એને ખભાનો સહારો આપી ઘરે મૂકી આવ્યો

બીજા દિવસે હું એને સ્કુલે જવા બોલાવવા ગયો ત્યારે ખબર પડી કે એને મોટી હોસ્પીટલમાં ભરતી
કર્યો છે . સ્કૂલમાંથી રજા લઈને , પપ્પાને સાથે લઈને અને હાથમાં બોલ લઈને હું એને મળવા ગયો

મેં એનો હાથ હાથમાં લઈને કહ્યું કેમ છે તું? એણે પૂછ્યું કોણ છો તમે? મેં કહ્યું તારો દોસ્ત . એ બોલ્યો મારી આંખો
જતી રહી છે હવે તને દાવ નહિ આપી શકું પણ મારી ગણિતની નોટ કોરી ના રહી જાય એની જવાબદારી તારી
તું જેટલા દાખલા લખે તેટલા જાંબુ ચોક્કસ ખવડાવીશ

બે દિવસ પછી દીપક ને પવન બાજી પડ્યો . બચપણમાં અંધારું થયું 100 રનનો ઢગલો આંખોએ ભૂંસી કાઢ્યો

આજે પણ જાંબુના ઝાડ નીચે ઉભો હોઉં તો થાય છે કે લાવ ગણિતના દાખલા ગણું કદાચ ઉપથી એ જાંબુ ફેકવા આવે

મુકેશ જોશી