ભરોસો

તમે મળ્યા તો સારું થયું અરે તમે મળો છો ત્યારે જ હું મારામાંથી બહાર નીકળી શકું છું
કોઈ ડોરબેલ વગર બારણું ખોલવાનું ગમે છે
તમે જાદુગર નથી પણ તમારા અસ્તિત્વમાં કશુક તો એવું છે કે થાય કે તમને તો બધું કહી શકાય
કોઈ સંકોચ વગર કોઈ છોછ વગર

કદીક થાય છે કોઈક દિવસ સુરજ નહિ ઉગે તો તમને મળીને મારી સવાર પાડી દઈશ
મારી ડાયરીનું પહેલું પાનું તમારા નામથી ભરીશ અને આજુબાજુ
મોગરાનું ફુલ ચીતરીશ પછી એ જ સુગંધ થી મારી કુંડળીના ગ્રહોને મહેકતા કરીશ
હું લઇ આવીશ પારિજાતના ફુલો ને ઓળખાણ કરાવીશ તમારી સાથે

મને ખબર છે કે તમારા એક સ્મિતમાં બોર્ન્વિટા જેવી તાકાત છે તમે જો હસી પડો
તો વર્ષો ની ઉદાસી બાય બાય કહી ને ચાલી જાય તમારી વાતોમાં કેટલી બધી
નવલકથાના પ્લોટ ડોકિયા કરતા હોય છે અને તમે જો ગીત ગણગણો તો વસંત
ને આવવાનું મન થાય છે જુના પીક્ચીરના ઘણા ગીતો તમારા ઉપર લખાયા હશે એવા
વિચાર આવી જાય છે તમારો ઠસ્સો અને રૂબાબ ફોટોફ્રેમ માં પણ પૂરો ક્યાં જીલાય છે ?

વેલેન્ટાઈન ના દિવસે કહેવા માટે કેટલું ગોખી રાખ્યું હતું પ્રેક્ટીસ પણ પૂરી કરી હતી
પણ ખરા ટાઈમેં જ ……………ત્યારે
આટલા બધા ગોખેલા શબ્દો આંખો બોલી બતાવશે ને આબરૂ બચાવશે એ તો ધાર્યું જ નહતું
બસ ત્યારથી હું જીભ કરતા આંખો પર વધારે ભરોસો કરું છું

મુકેશ જોશી

Advertisements

શોધખોળ

એ ભાઈ તમે મને ક્યાય જોયો હોય તો કહેજો ને !! હું કેટલાય સમયથી આ શોધખોળ કરું છું

હું ખોવાઈ ગયો નથી એ સાચું પણ હું મને જડ્યો નથી એ ય સાચું

ઘર ગથથું ઉપચાર તરીકે કોઈકે કહેલું કે આઇનામાં જો। તું તને જડી જઈશ ત્યારથી એટલેકે બચપણથી રોજ સવારે અને સાંજે બે
ટાઇમ આઈનો જોવાનો નિયમ રાખ્યો પણ એમાં તો પ્રતિબિંબ પડે પણ પેલો જણ ન મળે

કોઈકે કહ્યું કોઈની આંખોમાં જોયું
કોઈકે કહ્યું કોઈના શબ્દો માં જોયું
બધા ઉપચાર અજમાવ્યા

પછી તો કોઈ મોટા ડોક્ટર ને બતાવીએ એમ સમાજ ના વગદાર માણસોને પૂછ્યું એ લોકો તો હસીને બોલ્યા આવા પાગલપનમાં
રહીશ તો કશું મેળવીશ નહિ. જો સમાજ અમને ઓળખે છે, વાહવાહ કરે છે, અમને મળવા તલપાપડ હોય છે
એ જ સાચી ઓળખ છે તું જરા નામ કમાંઈ બતાવ , દામ કમાઈ બતાવ તો લોકો આપોઆપ ઓળખશે ને ત્યાં તારી શોધ
પૂરી થશે એ લોકો એ દવાનો ડોજ હાઈ કર્યો ઘરના અઈનાને બદલે સમાજનો આઈનો બતાવ્યો પણ પેલો જણ ન મળ્યો

પછી તો કોઈ નિષ્ણાત સર્જનને મળીને ફેસલો લાવી દેવો એવું વિચારી એક સંત ને મળવા ગયો તો ખબર પડી કે સંત તો જેલમાં
ગયેલા એમને શોધતા પોલીસને પણ દમ આવી ગયેલો પછી બીજા સંત ને ત્રીજા ને ઘણાયને મળ્યો બધા ને મળ્યા પછી એટલુ સમજાયું
કે એમને પોતાની શોધમાં ઓછો ને પોતાનામાં આવી કમી કોઈ શોધી ન જાય એમાં જ રસ હતો

જે પોતાની શોધમાં હતા એ લોકો ના સરનામાં મળતા ન હતા

છેવટે કંટાળીને મેં એક નિર્ણય કર્યો
આ જગત પાસેથી બધી આશાઓ છોડી દેવાનો બીજાની ટ્યુબ લાઈટ કરતા પોતાના બલ્બ ઉપર ભરોસો
રાખવાનો બીજાને પૂછવા કરતા જાતે જેવો જવાબ મળે તેવો પોતાને બતાવવાનો
ને માનશો દવા કારગત નીકળી ચાર આની જેવો ફેર દેખાવા લાગ્યો તે દિવસથી કોઈ નો જાખો જાખો અણસાર આવવા લાગ્યો

મને શ્રદ્ધા છે કે આ દવા કામ કરશે પણ જો ના થાય તો પાછો પૂછવા આવીશ કે

એ ભાઈ તમે મને ક્યાય જોય હોય તો કહેજો ને !! હું કેટલાય સમયથી આ શોધખોળ કરું છું

મુકેશ જોશી