કવિતાની કેડીએ… –

આકાશને કલાકો સુધી ઝગમગતું રાખવાનું ભગીરથ કામ સૂરજ કરે છે છતાં એના ભાગે મહેણાં-ટોણાં સાંભળવાનું જ આવે છે

કવિતાની કેડીએ… – નલિની માડગાંવકર

ગીત

સોનેરી કિરણોની મબલક મિલકત જોઈ

લોકો જોને સાચોજૂઠો વહેમ કરે છે

રોજ મઝાની સાંજ નામનો ચેક લખીને

સૂરજ એના ભાગનો ઈન્કમ ટૅક્સ ભરે છે

સૂરજ પાસે નથી જ કાળું નાણું, એની સાબિતીઓ કોણ જઈને લાવે

નથી નોકરી ધંધો તોય આટઆટલી મિલકત ક્યાંથી આવે

આવાં-તેવાં મ્હેણાં-ટોણે, દરિયામાં ડૂબીને સૂરજ ચોમાસામાં ખૂબ ઝરે છે

સૂરજ એના ભાગનો ઈન્કમ ટેક્સ ભરે છે

સૂરજ ગાંધીવાદી, પ્હેરે અજવાળાની ખાદી, એની રોજનીશીનું સત્ય જ કાફી.

મિલકત કરતાં બમણો વેરો ભરે છતાંય કરવેરામાં નહીં છૂટ કે માફી

સૂરજને જો રિબેટ દેવા ધરતી, ચંદા, તારા એની આજુબાજુ ગોળ ફરે છે

સૂરજ એના ભાગોનો ઈન્કમ ટેક્સ ભરે છે

સૂરજ તો શું, આખેઆખા આભની બૅલેન્સ શીટ થાય છે રોજરોજની ટૅલી

ટૅલી થાવાના કારણમાં અંતરનો રાજીપો, અહીંયાં નથી 

કોઈની મુરાદ મેલીઘેલી

આભના પેલા મહેતાજીને લઈ આવો કે અહીંના લોકો 

ગોટાળાને પ્રેમ કરે છે

સૂરજ એના ભાગનો ઈન્કમ ટેક્સ ભરે છે.

– મુકેશ જોષી

મધ્યકાલીન કવિ અખા ભગત જતી વખતે પોતાની કલમ અને ચાબખાને ભાવિ પેઢીના કવિઓ માટે છોડતા ગયા. એ આજની પેઢીના – આધુનિક કવિઓ પાસે આવી. નવા કવિઓએ આ લેખણને છોલી છોલીને આજના માનવીઓ સમજી શકે એટલી ધારદાર બનાવી, ભાષાને સમજાવીને કક્કાને નવેસરથી ઘૂંટવાની પરવાનગી લઈ લીધી. કવિનું હૈયું તો ઊકળતા ચરુ જેવું હતું જ. અનુભૂતિએ નવા સ્વરૂપે પ્રગટ થવાનું નક્કી કર્યું અને એમાંથી રચાઈ આ કવિતા.

કાળાં નાણાંને ઊજળાં બનાવવાના નિયમો આંકી આંકીને સત્તાધીશો થાકી ગયા. ફક્ત ન થાક્યા આવા કવિ. જેમણે સીધેસીધો પ્રકૃતિ સાથે સંપર્ક સાધ્યો અને નવા વાઘા પહેરીને પ્રકૃતિ કવિતા પાસે દોડતી આવી. કવિ અને કવિતા વચ્ચે નવો ઘરોબો બંધાયો અને મુકેશ જોષીને આવો માણસ અને પ્રકૃતિ વચ્ચેનો અનુબંધ જોઈને સાંકેતિક શબ્દોની કવિતા રચવાનું મન થયું. વાચાળ બન્યા વગર પણ જે કહેવું છે એ કહેવાની સૂઝ આ કવિને હાથવગી છે. જે સૂરજને ગાયત્રીમંત્ર ભણી વંદન કરીએ એને ઈન્કમ ટૅક્સ ભરતો કલ્પવો એ કંઈ નાની વાત છે? આની સામે માણસજાત શું વિસાતમાં છે?

કવિ ચાતુર્ય એક એક શબ્દમાં માણવા જેવું છે. દસે દિશાએ પોતાનાં તેજકિરણો વેરતી એક પ્રસન્ન સવારને જોઈને લોકોને વહેમ આવે છે કે આ સૂરજ મબલક હાથે મબલક મિલકત ચારે બાજુ વેરી રહ્યો છે તો એની પાસે કાળાં નાણાંનો ગંજાવર ‘સ્ટોક’ લાગે છે. અદેખા માણસોનો સંસારમાં ક્યારેય તોટો નથી હોતો એ અનુભવથી આપણે બધા પરિચિત છીએ. આવકવેરો નિયમિત ભરનારનો ચેક તો હંમેશાં મીઠો જ લાગે, તો પછી એમાં સૂરજને કઈ રીતે નાતબહાર મુકાય? એ તો રોજ સુંદર સાંજનો ચેક આ જગતને નામે લખે જ છે. એમ કરીને એ પોતાના અસ્તિત્વનું જમાપાસું આપણી સામે ધરી દે છે.

નવી અભિવ્યક્તિની સાથે સાથે ભાષાને પણ કવિ કઈ રીતે નવું રૂપ આપે છે! કવિતામાં, સમાજમાં બોલાતી ભાષાની સ્વાભાવિકતા અહીં ઊતરી આવી છે. કટાક્ષ કે ઉપાલંભ આપવા માટે ભાષાને પોતાની રીતે નવો ઘાટ આપી દે છે. કાયદો તો સાચાં-ખોટાનાં પારખાં કરવાં સાબિતીઓ જ માગે છે. કાળાં નાણાંની સચ્ચાઈ માટે પણ સાબિતીઓ તો જોઈએ જ. આકાશને કલાકો સુધી ઝગમગતું રાખવાનું ભગીરથ કામ સૂરજ કરતો હોય છે તોય એને ભાગે મ્હેણાં-ટોણાં આવે છે! કવિ આ રીતે માણસની ભીતર છુપાયેલી મર્યાદાઓને એક પછી એક ભાવમુદ્રાથી બહાર લાવે છે. જો સૂરજને પણ કડવાં વેણ સાંભળવાં પડતાં હોય તો માણસ શું વિસાતમાં? નિંદકોની ચપટી ભારે આકરી હોય છે. ચોમાસામાં આકાશ સાથે સહાનુભૂતિ બતાવતો સૂરજ ન ઊગીને કે વાદળમાં છુપાઈને પોતાની વેદના વ્યક્ત કરે છે.

કવિ ક્યારેય સંવેદનાને આંગણામાં વેરાયેલી નથી રાખતા, એનો માંહ્યલો તો ચોખ્ખાચટ આંગણા જેવો છે. એમાં જ અક્ષરો પોતાની રંગોળી પૂરતા હોય છે. સૂરજ પાસે ગાંધીવાદી અજવાળું છે. એ તો તેજની સફેદ ખાદી ધારણ કરે છે. આ કલ્પન અદ્ભુત છે. સૂરજને રિબેટ આપવા – કરમાંથી રાહત આપવા પૃથ્વી, ચંદ્ર, તારા એની આસપાસ ઘૂમી રહ્યા છે. આ પ્રાકૃતિક સત્યનો કવિએ બહુ માર્મિક ઉપયોગ કર્યો છે. સૈકાઓની પરંપરાથી વધુ ને વધુ પુષ્ટ બનતી આપણી ભાષાને કવિ આ રીતની અભિવ્યક્તિથી કેવી નિરામય બનાવી દે છે! બૅલેન્સ શીટને ટૅલી કરી શકે એવા અનુભવી સર્જકોને વ્યવહાર 

સાચવનારા કેવા કેવા ‘પાયલાગણ’ કરે છે એ આપણે ક્યાં નથી જાણતા! પણ સૂરજના હિસાબકિતાબ ચોખ્ખા હોવાથી જ એ આટલો તેજસ્વી રહી શક્યો છે, આવું તે જ 

જેની પાસે છે એ માણસની મેલીઘેલી મુરાદને તરત પકડી પાડે છે. કવિ મુકેશ જોષીની કવિતાની છેલ્લી પંક્તિ હંમેશાં આપણા કવિતાપ્રેમીને અનેરી સોગાદ આપનારી છે. ગોટાળાને પ્રેમ કરનારા વેપારીઓને ખુલ્લા કરવા કવિએ પોતા પાસે રાખેલો અખાભગતનો ચાબખો હાથમાં લીધો છે. આ અભિવ્યક્તિ ‘પ્રેમ’ સંજ્ઞાને માર્મિકતાથી બચાવી લે છે. કારણ ગોટાળામાંથી મુક્ત થયા પછીનું અંતિમ પગલું એ સાચો પ્રેમ છે. આવા પ્રેમની સચ્ચાઈ અનુભવથી જ સમજાય છે. અહીં તો લોકોના આવા ગોટાળા પ્રત્યેના આકર્ષણની, એની ચાહનાની જ કવિએ દિશા સૂચવી છે.

આ રચનામાં ભલે કોઈકને સભારંજની તત્ત્વ દેખાતું હોય, પણ કવિએ પૂરેપૂરી, આચરણમાં ઊતારી રહ્યા છે એવા નાના દીવા જેવી વ્યક્તિઓને કવિ સૂરજના તેજમાં ક્યાંય ભૂલ્યા નથી, એવી વ્યક્તિઓએ શું શું સહેવું પડે છે એની લાગણીથી પણ કવિ અજાણ્યા નથી.

આ એક એવી રચના છે કે જેની ભાષા આજની આપણી યુવાપેઢીને આકર્ષી શકે છે. સમાજની નાડમાં ઊતરીને ઘૂમી રહેલા આ વિષનું મારણ ફક્ત કાયદા દ્વારા આપી શકાય એવી સ્થિતિથી આપણે ક્યારનાય દૂર થઈ ગયા છીએ. કદાચ આવી કવિતા કોઈકના માંહ્યલાને આ બદીઓથી મુક્ત કરી શકે એવી અપેક્ષા રાખવી ખોટી નથી. બાકી એક ગીતકવિતા તરીકે જોઈએ તો એમાં ઊર્મિનું વહન પણ એની ભાવ ચમત્કૃતિને અનુકૂળ રહ્યું છે. કવિના જ શબ્દોમાં ખુદને જ પ્રશ્ર્ન કરીએ કે;

“તમે જિંદગી વાંચી છે?

વાંચો તો પડશે સમજણ

ૄૄૄ

પથ્થરના વરસાદ વચાળે

કેમ બચાવો દર્પણ

બીજી કેટલીક પંક્તિઓ યાદ આવે છે;

જે કવિને માટે પણ યોગ્ય છે;

“હરિ, અમારું અંતર તો છે રેશમરેશમ

જગને જોઈ થાકેલી તવ દૃષ્ટિને જો

મારા અંતરમાં મૂકો તો કેવું!

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: