શ્રેષ્ઠ સર્જક નો નોબેલ કરતા પણ મોટો અવોર્ડ

કોઈ વિશાળ જગ્યાએ સમગ્ર પૃથ્વી વાસીઓ એક જગાએ ભેગા થયેલા. સહુને આમંત્રણ અપાયેલું. સહુ આવી ગયા પછી એક મહારથીએ કહ્યું કે ઈશ્વરે આપણને અનંત યુગોથી સૂર્ય આપ્યો . પ્રાણ માટે પ્રાણવાયું આપ્યો. જળ આપ્યુ. ઘઉંનો એક દાણો વાવ્યો તો અનેક કરીને આપ્યા. આપણે સહુ એના અનંત ઉપકારના ઋણી છીએ એટલે એમને શ્રેષ્ઠ સંચાલક અને શ્રેષ્ઠ સર્જક નો નોબેલ કરતા પણ મોટો અવોર્ડ આપવા માંગીએ છીએ એટલે પહેલીવાર ભેગા થયા છીએ . આટલું સાંભળતા જ અર્ધાથી વધુ લોકોએ વિરોધ નોધાવ્યો અને કહ્યું ઈશ્વર છે જ નહિ તો અવોર્ડ આપવાની વાત જ ક્યાં આવી? અને લોકો ઉઠીને ચાલી ગયા. કેટલાક અસમંજસ માં પડ્યા બેસી ન શક્યાં અને ઉઠી ગયા બાકીના લોકો જરા મોકળા થયા. ફરી પેલા મહારથીએ કહ્યું પહેલા તો ઈશ્વરનું આહ્વાન કરવું પડશે, બોલાવવા પડશે એનું શું કરીશું? ધર્માચાર્યોએ કહ્યું એ કામ અમારું. સુંદર લખાણ કરેલું સન્માનપત્ર બનાવવાનું કામ લેખકોએ લઇ લીધું. એને સોનાના પત્ર ઉપર દરેક અક્ષર હીરાથી લખવો છે એમ મહારથીએ જાહેરાત કરી કે ધનવાનોએ એ કામ ઉપાડી લેવાની તૈયારી બતાવી. આખો સમારંભ સુંદર રીતે પર પડે એ માટે કેટલાક રાજકાજના અનુભવી  લોકોની કમિટી બનાવવામાં આવી

બધું ગોઠવાતું હતું કે ધર્માચાર્યોમાં મતભેદ પડ્યા.દરેક આચાર્ય કહેતા કે અમાંરો રસ્તો શ્રેષ્ઠ છે. ઈશ્વર આ માર્ગે જ આવે છે અને પોતપોતાના ગ્રથોના પ્રમાણ આપવા લાગ્યા. બીજાને ભાંડવા લાગ્યા. પછી તો ઈશ્વર ઉપર અમાંરો પ્રથમ અધિકાર છે ત્યાં સુધી વાત પહોચી ગઈ. ધનવાનોએ એમને ચુપ કર્યા પણ  ધનવાનો એ શરત મૂકી કે સન્માનપત્રની નીચે સોનાથી અમારા પણ નામ કોતરવામાં આવે કે અમે દાન કર્યું છે અને ઈશ્વર બરાબર વાંચી શકે તે રીતે લખવામાં આવે. કમીટી સભ્યો માં એટલા મતભેદ પડ્યા કે વાત મારામારી સુધી પહોચી ગઈ સભામાં ધાધલ ધમાલ થઇ ગઈ સામાન્ય માણસોએ શું કરવું એની ખબર ન હતી કેટલાકે કમિટી મેમ્બરના તો કેટલાકે ધર્માચાર્યોના તો કેટલાકે ધનવાનોના પગ પકડી લીધા.  બહાર નીકલી ગયેલા નાસ્તિકોના ટોળા એ આ જોયું તેઓ જોરજોરથી હસવા લાગ્યા અને કોક બોલ્યો કે અમે તો પહેલાથી કહેતા હતા કે ઈશ્વર છે જ નહિ નહિ તો એના માટેના એવોર્ડ ની વાત કરનારા વચે આટલો ઝગડો થવા દે ખરો?

મુકેશ જોષી

Advertisements