સરપંચ

પહેલી વાર મારો લેખ એક મેગેજીનમાં છપાયેલો એ દિવસ હું નહિ ભૂલી શકુ. મનોમન ભગવાનની પૂજા કેમ કરાય તે ખબર ન હતી પણ તે દિવસે મેં મેગેજીનની મનોમન પૂજા કરેલી. હરખ કરવા મારા કંજૂસ સ્વભાવની વિપરીત જઈને પાંચેક જેટલી કેડબરી લઇ આવેલો ને દોસ્તો ને ખવડાવેલી.. મારી ઈચ્છા હતી કે એ બધા મારા ફોટા સહિતના લેખ ને ખુબ વધાવે .જો કે કોઈએ ખાસ પ્રતિભાવ આપ્યો નહિ એટલે મેં ધારી લીધેલું કે આ લોકોને સાહિત્યમાં શું ખબર પડે ? પછી તો જે લોકો પૂછે કે શું નવાજુની છે તેને હું મારું મેગેજીન વાળું પ્રકરણ શરુ કરતો.એ લોકો મારા ગુજરી ગયેલા બાપની ઈજ્જત ખાતર સાંભળી લેતા. એમાં વળી દસેક દિવસ પછી કોઈક વાચકે પત્ર લખ્યો ને એમાં લખેલું કે તમારા જેવા ઉગતા લેખકો આટલું સારું શરૂઆતમાં જ લખશે તો ભારતને ફરી રવીન્દ્રનાથ ટાગોર મળે તેવી શક્યતા ઉભી થાય છે .. બસ.. થઇ રહ્યું . અમારા ગામમાં સગવડ ન હતી એટલે બાજુના શહેરમાં જઈને એ પત્ર લેમિનેટ કરાવી લીધો . દિવસમાં એક વાર મેગેજીન જોવાનું ને પેલો પત્ર તો વાંચવાનો જ . હનુમાન ચાલીસા કરતા પણ પત્રનો પાઠ કરવાની મજા આવતી. પછી તો   ધૂન ચડી ગઈ .. તે બીજો લેખ લખ્યો ને દિવાળી અંક માટે મોકલ્યો. અને દોસ્તો , સગા વ્હાલા સહુને આ અંક લેવા માટે ખાસ આગ્રહ કરેલો. મેગેજીન ના વખાણ પણ કર્યા

દિવાળી અંક આવ્યો ને ચારેક વખત ઉથલાવી જોયો. પણ આપણો લેખ ન મળે. સાંજ સુધી ચેન ન પડ્યું એટલે તંત્રી ને ફોન જોડ્યો . મારી ઓળખાણ આપી . તંત્રી બોલ્યા કે તમારો લેખ આ અંક માં લઇ શકાય એવો ન હતો અને તમારો લેખ છાપવા જતા બીજા સારા લેખો રહી જતા હતા. ફોન કટ કર્યો. ઓટ વખતે દરિયાની હાલત થાય એવી હાલત થઇ ગઈ. છાતીમાં જાણે કોઈએ ચારે બાજી ટાકણીઓ ખોસી દીધી હોય એવું દુખવા લાગ્યું . જો કે એક બહુ સારું થયું કે કોઈએ પેલું મેગેજીન ખરીદવાની તસ્દી લીધેલી નહિ એટલે ગામમાં ઈજ્જત બચી ગઈ  આવું બે ચાર વાર બની ગયું . દરેક વખતે મારા લીધે બે ચાર સારા લેખો રહી જતા હતા એવું તંત્રીનું કહેવું થતું હતું .(હવે એ લોકોએ તંત્રીને મસ્કા માર્યા હશે .. આપણને મસ્કાબજીમાં રસ નહી)

એક દિવસ એક મિત્રના ઘરે ગયો તે ફેસબુક જેવું કૈક ખોલીને બેઠો હતો મને તો જોવાની મજા પડી ગઈ. મારો રસ જોઇને એણે મારા નામનું એકાઉન્ટ ખોલાવી આપ્યું. બે ચાર દિવસ શીખતા થયા. એક ફોટો મુક્યો. કોઈકે કોમેન્ટ લખી : બાપુ જામો છો.  બસ  પછી મારો મેગેજીનમાં નહિ  છપાયેલો લેખ મુક્યો ને તમે માનશો ? ૮ લાઈક આવી. હવે એમનેમ તો ન જ આવે  ને ? પણ પેલા તંત્રીને કોણ સમજાવે ? ૧૦૮ મણકા ની માળા ફેરવીને જે ના મળે તે આ ૮ લાઈકે આપ્યું. જીવ તો છાતીમાં સમાતો ન હતો.  પેલો પત્ર હવે રોજ જોવાનું યાદ આવતું ન હતું. વધારે લાઈક માટે મેં તનતોડ મહેનત શરુ કરી. થોડો ખર્ચો કરીને હાથમાં પેલું મેંગેજીન લઈને ફોટા પડાવ્યા. ને એને પ્રોફાઈલ ફોટો બનાવીને મુક્યો . પછી તો જેવો લેખ લખાય કે ફેસબુક પર છાપી દેવાનો. . ને સાંજ પડતા પડતા કેટલી લાઈક છે જોવાનું. ૮ થી ૧૨૮ પહોચતા માત્ર ૬ મહિના લાગ્યા . જીવન સાર્થક થવા લાગ્યું.જે મનમાં આવે તે લખતો ને સાંજે રોકડી લાઈક ગણી લેતો.  એમાં નવા સ્માર્ટ ફોન લીધા પછી વોટ્સએપ પર સભ્ય બન્યો . ક્યારેક નાના નાના વિચારો લખતો . એમાય તે આપણે જામવા માંડ્યા. પછી તો બે ચાર ગ્રુપ નો એડમીન જ બની ગયો. આખો દિવસ ગ્રુપ ને મેનેજ કરવું કઈ જેવી તેવી વાત છે ? ક્યારેક તો જમવાનો સમય ભુલાઈ જતો. મોડી રાત સુધી ઉજાગરા કરતો  પણ સાહિત્ય માટે કઈ પણ કરવા તૈયાર હતો . ધીમે ધીમે મારો રૂઆબ ફેલાતો ગયો. મેં બહુ સખત શબ્દોમાં મારા ગ્રુપ માં કહી દીધું કે મને પૂછ્યા સિવાય કોઈએ કઈ લખવું નહિ .. નહિ તો પહેલા જેમ લોકો નાત બહાર મુકતા એમ તેમને ગ્રુપ બહાર કરી દઈશ. બે ચાર જણને કાઢી મુક્યા .પછી પેલો તંત્રી યાદ આવ્યો. એટલે તંત્રી વિષે લખવાનો સમય કાઢ્યો . લખ્યું થોડીક લાઈક આવી . એટલે એ જ વાત મેં ફેસબુક પર મૂકી . ત્યાય થોડી કોમેન્ટ આવી. મને લાગ્યું બધા જ લોકો મારી સાથે છે મેં વખોડાય એટલા એમને વખોડેલા. હવે તો ગામ માં ય મારો વટ પડતો. જો કે મારા થી સાવ નાની ૧૮ વર્ષની પેલી રીમા એના ફોટા ના આધારે જેટલી લાઈક મેળવતી એટલી હું મહિનાની કુલ નહતો મેળવી શકતો . પણ એ કઈ સાહિત્યિક થોડી છે ? એટલે જાણી બુજીને હું એની પોસ્ટ પર કોમેન્ટ લખતો નહિ.

એક દિવસ પેલા તંત્રી નો ફોન આવ્યો ને મને ખુશીથી કહ્યું કે આ વર્ષનો અમારા મેગેજીનનો નવોદીતોનો એવોર્ડ તમને આપવામાં આવે છે . આવતા મહીને સન્માન અને એવોર્ડ આપીશું. થોડા દિવસ પહેલા જ મેં જેમને ખુબ છોલેલાં એણે જ મને નિમંત્ર્યો. હું તો પોરસાયો . એવોર્ડ લેવો કે નહિ તે બાબતે અવઢવ થઇ કારણ કે હવે મને નવોદિતોના એવોર્ડમાં કઈ રસ ના હતો. યાર ત્રણ ચાર ગ્રુપ નો એડમીન અને ૧૫૦ જેટલી લાઈક મેળવતો માણસ આવો નાનો એવોર્ડ સ્વીકારે ? હજુતો  પેલા તંત્રીના શબ્દો મનમાં ગુંજતા હતા  છતાં સાહેબ મોટું મન રાખવું એ તો સાચા માણસ ની નિશાની છે અને રૂપિયા પણ કામના હતા. એક સાહિત્યકારને નાતે ખુબ મનોમંથન ચાલ્યું . વોટ્સ એપ બંધ કરીને ફેસબુક ડ્રોપ કરીને બસ શું કરવું એ વિચારતો રહ્યો . એક અફલાતુન પ્લાન બનાવ્યો. મેં એવોર્ડ લેવાનું નક્કી કર્યું . બધા જ ગ્રુપ મેમ્બર્સેને જાણ કરી દીધી. સહુને આવવા નિમંત્રણ આપી દીધું. સમારંભનો દિવસ આવી ગયો. ખુબ હસતા હસતા ફોટા પડાવ્યા. શુભેચ્છાઓ સ્વીકારી. મેંગેજીનમાં મારા ફોટા સારા આવે તે હેતુથી સારો સુટ પહેરીને ગયેલો. બધું પત્યું . તમે નહિ માનો એ ફોટાઓની ફેસબુક ઉપર ખુબ બોલબોલા થઇ . કોઈકે ફેશન ના કોઈકે સ્ટાઈલ ના તો કોઈએ બાજુમાં ઉભેલા લોકોના વખાણ કર્યા..

બસ  પછી પંદર દિવસ પછી મેં એવોર્ડ પાછો આપવાનું નક્કી કર્યું. જોરશોરથી જાહેરાત કરી બધા વિચારમાં પડી ગયા.આ સમાચારોને છાપાવાળાઓ છાપ્યા. ટીવીમાં આવ્યા  મને પૂછવામાં આવ્યું તો મેં કહ્યું  સરપંચ કઈ ધ્યાન આપતા નથી..ચંદ્રને એ લોકો આખો મહિનો ખીલવા નથી દેતા કેટલાક લોકોએ જાણી બુજીને અમાસો ગોઠવી છે. આ ગામમાં જયારે જયારે પાનખર આવે છે ત્યારે પાન ખરી જાય છે . પણ તે પણ તરત જ ઉગી જાય એવી કોઈ વ્યવસ્થા સરપંચે કરી નથી. અહી રાત પડે કે તરત જ અંધારું થઇ જાય છે સૂર્ય ને રોકવાની કોઈ કોશિશ જ નથી કરતું છેવટે ગામ ના લોકોએ ફોગટમાં વીજળીનું બીલ ભરવું પડે છે. અહી માણસો બોલે છે ત્યારે અવાજો આવે છે જેથી શાંતિ નો ભંગ થાય છે.   ગામ માં રહેવું બહુ જોખમી બની ગયું છે  હું બહુ દુખી છું એટલે આ એવોર્ડ પાછો આપું છું. મારાથી બીજું તો કઈ થઇ શકતું નથી . પણ હા એટલું જાણું છું કે એવોર્ડ લેતી વખતે જેટલી પ્રસિદ્ધિ ન હતી મળી એટલી પાછા આપતી વખતે મળી છે તે મારે માટે સંતોષ નો બાબત છે. આખરે એક સાહિત્યકાર કરી પણ શું શકે ? પણ મેં હવે સાહિત્યની બહુ મોટી સેવા કરવાનું નક્કી કર્યું છે કે મારા જેટલા મિત્રોએ એવોર્ડ લીધા છે તેમનો આત્મા જાગે તે માટે રૂબરૂ મુલાકાત લેવાની .તેમને સરપંચ વિષે માહિતી આપવાની.  આખરે સરપંચ એના મનમાં સમજે છે શું ?

Advertisements