બેલુર મઠ

એક કાર્યક્રમ નિમિતે કલકતા જવાનું થયેલું. ડીસેમ્બર  નો મહિનો. સાલ ૨૦૧૫ બહુ સમય થી ઈચ્છા હતી કે રામકૃષ્ણ પરમહંસ ની ભૂમિ બેલુર મઠ જવાય તો સારું અને જવાનો મેળ પડી ગયો. સવારે ખાનગી કંપની નો ડ્રાયવર લેવા આવ્યો. અમે બે જ જણા ને સેવન સીટર કાર. એની બાજુમાં જ બેઠક લીધી. જગતમાં બધાને કઈ ને કઈ કહેવું હોય છે શરત છે એને કોઈ પ્રેમથી સાંભળે એ ન્યાયે એને સાંભળવાની તૈયારી બતાવી. ધીમે ધીમે એ ખૂલતો ગયો. ૩૦ કે ૩૨ વર્ષનો બિહારનો એ ગાડી ચાલક પોતાની અધ્યાત્મ યાત્રા નું વર્ણન કરવા લાગ્યો. એ કહેતી વખતે એના મુખ ના ભાવ પર એક અજબ શાતા પથરાતી જોયેલી. જેમ જેમ રસ થી વાત સાંભળવાની શરુ કરી કે એક તબક્કે એણે એને થયેલા અંગત અનુભવો બયાન કર્યા . કૃષ્ણ વિષે  એણે  કહ્યું કે કૃષ્ણને વૈષ્ણવો વગર ચાલે એમ જ નહતું ત્યાં આવવા એ લાલાયિત હતા , એટલે જ જેમનું હૃદય વૈષ્ણવ જેવું હતું એવા નંદ અને જશોદા ના ઘરે પહોચી ગયા. નહિતર જન્મ ની સાથે ત્યાં જ કેમ ગયા ? અમે  એજ નંદ ના વંશ માં છીએ હા અમે નંદ ના વંશ ના ગોવાળિયા છીએ. આનંદ સાથે આશ્ચર્ય થયું. બેલુર મઠ આવતા પહેલા સત્સંગ ની વ્યવસ્થા કેવી રીતે થઇ ગઈ એ તો ખબર નહિ પણ મુખ્ય સ્થાને ઉતારીને એ ગયો ને કહેતો ગયો કે પાછા આવો ત્યારે ફોન કરીને બોલાવી લેજો હું અહી જ કશે હોઈશ. કાચી કેરી જેવો તડકો અને બરફ ગોળો ખાઈને ફરવા નીકળી હોય તેવી હવા હતી. ફોટા પાડવાની મનાઈ હતી એટલે જે દેખાય એ મનથી જ કલીક કરવાનું હતું મઠ માં પ્રવેશતા જ મન આનંદ થી છલકાઈ ગયું. એક મહાન વિભૂતિ ની પવિત્ર જગ્યામાં પ્રવેશ થયો.કેટલા બધા એમના જીવનના પ્રસંગો આંખ સામે તરવરવા લાગ્યા. એમના પ્રિય શિષ્ય વિવેકાનંદ ના મરૂન કલરના શુજ જોયા. એમનો રોબ જોયો એમની ઘડિયાળ જોઈ અને થયું કે આટલા ઠસ્સા સાથે ય જીવનની અંદરની સાદગી કેવી ઉચ્ચ હશે !! એમના પ્રિય વૃક્ષ બીલી નીચે એમની સમાધી ના દર્શન થયા. હુગલીના વહી રહેલા પાણી વર્ષો પહેલાની ઘટનાના સાક્ષી રહ્યા હશે ? પાછા વળતા અમારા મિત્ર નો ફોન આવ્યો કે જલ્દી પાછા આવો આપણે ક્લબમાં જમવા જવાનું છે અને હા તમે શુજ પહેર્યા છે ? મેં ના કહી તો એમણે કહ્યું કે તો હું મારા શુઝ તમને આપીશ કારણ કે એના વિના પ્રવેશ નહિ મળે. આપણે બધા ત્યાં જ જમવા જવાનું છે મેં તો સેન્ડલ પહેરેલા. મઠ ની બહાર નીકળતા સ્વામી વિવેકાનંદ ના શુઝ યાદ આવી ગયા અને પ્રશ્ન થયો કે મનની સાદગી મોટી કે શરીરના પહેરણ ? પરમહંસની ભૂમિમાં થી બહાર નીકળતા અને ગાડીમાં ગોઠવાયા પછી ક્લબમાં જમવાની વાત કરતા પહેલા કોઈ બીજાના શુઝ પહેરવા પડશે એ વાતે જ મનમાં ડંખ પડી ગયા. ગાડી ઉતારે પહોચી. મને જોઇને મિત્ર રાજી થયા ને બોલ્યા કે એક સરસ સમાચાર છે કે અમે પ્રોગ્રામ બદલી નાખ્યો છે આપણે ક્લબમાં જમવા જતા નથી અહી જ પ્રેમથી જમીશું.

બેલુર મઠ નું હવાનું એક જોકું સહેજ પાસે આવીને વાળ ઉડાવીને ચાલ્યું ગયું  ને પેલો ગાડીનો ચાલક મંદ મંદ હસી રહ્યો.

Advertisements

મૃત્યુ એ જ સત્ય ડોટ કોમ

ગજબની પર્સનાલીટી હોય છે અસત્યની. એક વાર હાથ મેળવો કે ઉભે ઉભા ખેંચાઈ જાઓ એની તરફ એની સાથે મળી ગયા પછી જિંદગીને નશો ચઢે છે. એ મળે છે ત્યારે જ કહી દે છે કે મારી સાથે કાયમ ઓનલાઈન જોડાયેલો રહો.મજા આવશે. તમે હા કહો કે તમારા  નામથી એની વેબ્સાઈટ પર લોગીન કરાવે છે અને પાસવર્ડ ? બધ્ધા માટે એક : બસ આટલું જ ટાઈપ કરવાનું : “સામે વાળો જુઠ્ઠો છે” અને તરત જ લોગીન થઇ જાય બસ પછી શું ? જલસા. દાંત માં દૂ:ખતું હોય , લબકારા મારતા હોય ત્યારે પેનકિલર કેવી ટેમ્પરરી રાહત આપે એવી રાહત એમાં મળે . નાની નાની વાતે જૂથ બોલ્યા જ કરવાનું. છાયડા જેવું લાગે. જેટલી વાર આવું કરો એટલી વાર એની વેબ્સાઈટ ઉપર તમારી નોધ લેવાય અને પોઈન્ટ વધતા જાય અને એકવાર અમુકથી વધારેપોઈન્ટ થાય કે ઓટોમેટીક અધર્મ ડોટ કોમ પર તમારું લોગીન થઇ જાય . જો કે પહેલા તો ડર લાગે પણ જેવું અધર્મ ડોટ કોમ ખુલે કે ખબર પડે કે આપણા પહેલા કેટલાય ધર્મગુરુઓ , કહેવાતા સમાજસેવકો અને લગભગ બધા જ રાજકારણીઓ, મિડીયાકર્મીઓ, ન્યાયાધીશો   અનેક વાર આ સાઈટની મુલકાત લઇ ચુક્યા હોય છે અને મોટાભાગ ના ઓનલાઈન હોય છે અને ઘણાએ તો પ્રીમીયમ મેમ્બરશીપ મેળવી લીધી છે બસ પછી આપણે શું કામ શરમાવું ? અને આ જ સાઈટ પરથી તમને અનીતિ , બળાત્કાર , ભ્રષ્ટાચાર , આતંકવાદ બધાની જોઈએ તેવી ટીપ મળે છે એ પણ મફતમાં. એટલી મજા આવે કે દરેક દિવસ સોના જેવો અને રાત ચાંદી જેવી. અધર્મ ડોટ કોમ જેટલી વધારે ક્લિક થાય એમાંથી  કલિયુગ પોતાના શ્વાસ લેતો હોય છે એમાંથી જ એને કાર્બન ડાયોક્સાઈડ મળે છે (કલિયુગ ઓક્સીજન થી નથી જીવતો કાર્બન ડાયોક્સાઈડ થી જીવે છે ). બિચારા સત્યની વેબ્સાઈટ પર આખા દિવસમાં જેટલી ક્લિક થાય એનાથી હજાર ગણી કલીક  અસત્યની સાઈટ પર ૧ મીનીટમાં થઇ જાય છે. થોડા વર્ષો સુધી આ વેબ્સાઈટ વાપરો પછી તમારી બંને આંખના નંબર બદલાઈ જાય છે. ચમત્કાર થાય છે આપણું દરેક અસત્ય ધીમે ધીમે સત્ય જેવું લાગવા માંડે છે.  આપણ ને એમ જ લાગે છે કે હું સત્યના પક્ષે છું પછી કોઈ  છેલા શ્વાસ લેવાનો દિવસ આવે છે ગભરામણ શરુ થાય છે પરસેવો વળવા મંડે છે બેચેની જેવું લાગે છે.હવે શું કરવું સુજતુ નથી. કોઈ સત્ય નજીક આવી રહ્યા નો ભાસ થાય છે હવે પરિવારજનો કઈ સત્ય બોલશે તો એ સાંભળી શકાય એવી સ્થિતિ નથી   અસત્યની વેબ્સાઈટ પર લોગીન કરવા જાઓ છો પણ આજે જ લોગીન થતું નથી હવે ? હવે ? ને એક અટ્ટહાસ્ય સંભળાય છે..”દોસ્ત , બીજું બધું તે જુઠ ઠેરવી નાખ્યું પેલાની સાથે રહી.. પણ એણે તને એ જ ના કહ્યું કે મૃત્યુ એ પરમ સત્ય છે , ..ચલ હવેમારી સાથે ..” ને આખી જિંદગી અસત્ય ડોટ કોમ જીવેલો માણસ “મૃત્યુ એ જ સત્ય ડોટ કોમ” પર રજીસ્ટર થાય છે