મૃત્યુ એ જ સત્ય ડોટ કોમ

ગજબની પર્સનાલીટી હોય છે અસત્યની. એક વાર હાથ મેળવો કે ઉભે ઉભા ખેંચાઈ જાઓ એની તરફ એની સાથે મળી ગયા પછી જિંદગીને નશો ચઢે છે. એ મળે છે ત્યારે જ કહી દે છે કે મારી સાથે કાયમ ઓનલાઈન જોડાયેલો રહો.મજા આવશે. તમે હા કહો કે તમારા  નામથી એની વેબ્સાઈટ પર લોગીન કરાવે છે અને પાસવર્ડ ? બધ્ધા માટે એક : બસ આટલું જ ટાઈપ કરવાનું : “સામે વાળો જુઠ્ઠો છે” અને તરત જ લોગીન થઇ જાય બસ પછી શું ? જલસા. દાંત માં દૂ:ખતું હોય , લબકારા મારતા હોય ત્યારે પેનકિલર કેવી ટેમ્પરરી રાહત આપે એવી રાહત એમાં મળે . નાની નાની વાતે જૂથ બોલ્યા જ કરવાનું. છાયડા જેવું લાગે. જેટલી વાર આવું કરો એટલી વાર એની વેબ્સાઈટ ઉપર તમારી નોધ લેવાય અને પોઈન્ટ વધતા જાય અને એકવાર અમુકથી વધારેપોઈન્ટ થાય કે ઓટોમેટીક અધર્મ ડોટ કોમ પર તમારું લોગીન થઇ જાય . જો કે પહેલા તો ડર લાગે પણ જેવું અધર્મ ડોટ કોમ ખુલે કે ખબર પડે કે આપણા પહેલા કેટલાય ધર્મગુરુઓ , કહેવાતા સમાજસેવકો અને લગભગ બધા જ રાજકારણીઓ, મિડીયાકર્મીઓ, ન્યાયાધીશો   અનેક વાર આ સાઈટની મુલકાત લઇ ચુક્યા હોય છે અને મોટાભાગ ના ઓનલાઈન હોય છે અને ઘણાએ તો પ્રીમીયમ મેમ્બરશીપ મેળવી લીધી છે બસ પછી આપણે શું કામ શરમાવું ? અને આ જ સાઈટ પરથી તમને અનીતિ , બળાત્કાર , ભ્રષ્ટાચાર , આતંકવાદ બધાની જોઈએ તેવી ટીપ મળે છે એ પણ મફતમાં. એટલી મજા આવે કે દરેક દિવસ સોના જેવો અને રાત ચાંદી જેવી. અધર્મ ડોટ કોમ જેટલી વધારે ક્લિક થાય એમાંથી  કલિયુગ પોતાના શ્વાસ લેતો હોય છે એમાંથી જ એને કાર્બન ડાયોક્સાઈડ મળે છે (કલિયુગ ઓક્સીજન થી નથી જીવતો કાર્બન ડાયોક્સાઈડ થી જીવે છે ). બિચારા સત્યની વેબ્સાઈટ પર આખા દિવસમાં જેટલી ક્લિક થાય એનાથી હજાર ગણી કલીક  અસત્યની સાઈટ પર ૧ મીનીટમાં થઇ જાય છે. થોડા વર્ષો સુધી આ વેબ્સાઈટ વાપરો પછી તમારી બંને આંખના નંબર બદલાઈ જાય છે. ચમત્કાર થાય છે આપણું દરેક અસત્ય ધીમે ધીમે સત્ય જેવું લાગવા માંડે છે.  આપણ ને એમ જ લાગે છે કે હું સત્યના પક્ષે છું પછી કોઈ  છેલા શ્વાસ લેવાનો દિવસ આવે છે ગભરામણ શરુ થાય છે પરસેવો વળવા મંડે છે બેચેની જેવું લાગે છે.હવે શું કરવું સુજતુ નથી. કોઈ સત્ય નજીક આવી રહ્યા નો ભાસ થાય છે હવે પરિવારજનો કઈ સત્ય બોલશે તો એ સાંભળી શકાય એવી સ્થિતિ નથી   અસત્યની વેબ્સાઈટ પર લોગીન કરવા જાઓ છો પણ આજે જ લોગીન થતું નથી હવે ? હવે ? ને એક અટ્ટહાસ્ય સંભળાય છે..”દોસ્ત , બીજું બધું તે જુઠ ઠેરવી નાખ્યું પેલાની સાથે રહી.. પણ એણે તને એ જ ના કહ્યું કે મૃત્યુ એ પરમ સત્ય છે , ..ચલ હવેમારી સાથે ..” ને આખી જિંદગી અસત્ય ડોટ કોમ જીવેલો માણસ “મૃત્યુ એ જ સત્ય ડોટ કોમ” પર રજીસ્ટર થાય છે

Advertisements

વસંત

વસંત ઋતુ નો પગરવ સંભળાય છે હવા સૂર્યપ્રકાશ ના રંગે રંગાતી જાય છે
આંબાની મંજરીઓએ હળવે સૂરે ગાવાનું શરુ કર્યું છે કોયલના ટહુકાઓ શેરડીના રસ
સાથે હરીફાઈમાં ઉતર્યા છે અને એમની સરસાઈ ચાલી રહી છે શિયાળાનો સેન્ડ ઓફ ગોઠવાઈ
રહ્યો છે ઉનાળા માટે ગરમ લૂ ને પણ આમંત્રણ અપાઈ રહ્યા છે બંધ પડેલા પંખાઓએ હવે
ઓવરટાઈમ કરવો પડશે એની જાણ કરી દેવામાં આવી છે વેકેશન થી થોડે દૂર ઉભેલા
સ્કુલ અને કોલેજોના દરવાજાઓ આજકાલ પરિક્ષા આપવા આવતા બાળકોને જોઇને
કીચુડ કિચુડ કર્યાં કરે છે માંબાપો બચ્ચાઓ કરતા વધારે ચિંતિત થઈને ઘરને મંદિરમાંથી
ચિન્તાકેન્દ્ર બનાવી રહયા છે માર્ચ નજીક હોવાથી બાકીના સહુ હિસાબોમાં પડ્યા છે
ગુલમ્હોરે રાતા થવાની શરૂઆત કરી છે પણ લાલ આંખે થયેલા ઉજાગરાઓ એ તરફ ધ્યાન
જવા દેતા નથી નવાઈ છે કે વર્ષે એક વાર ઉપરવાળો પ્રેમપત્ર મોકલે છે પણ ત્યારે જ
આપણી આંખનું મોતિયાનું ઓપરેશન ગોઠવાયું હોય એવો તાલ છે
આ ઋતુ માં દરેક જણે પોતાના સહુથી વધારે પ્રિયજનને એક પત્ર તો લખવો જ પડશે એવો
આદેશ મળે તો છાતી ઉપર હાથ મૂકીને કહો તમે કોને નામે પત્ર લખો ?
એ જ નામ ને. . . જેને કારણે તમને જીવવું ગમે છે જોવું ગમે છે. . જાણવુ
ગમે છે અને જેની આંખોમાં જોવાથી તમને જીવવાની શક્તિ મળે છે જે હસે છે
તો તમે રાજીના રેડ થઇ જાઓ છો અને જેના રાજીપા માટે તમે કઈ પણ કરવા તૈયાર
થઇ જાઓ છો.. .. હા એનું નામ પ્રેમ છે એને લાડમાં લોકો જીવનની વસંત કહે છે
મુકેશ જોશી