ગીત

તું ભરતી ને હું ઓટ
મને ગમે ભીતર વળવું તું બહાર મુકે છે દોટ

આલિંગનનો લઇ હરખ તું ઠેઠ કિનારે જાય
મારી બુમે લહેરો પાછી ઘરમાં આવી ન્હાય 
તું ઉછળે તો લાગે જાણે ઊર્મિનો વરઘોડો
મારે કારણ ઉદાસીઓને મળે આશરો થોડો
જળના ઘરમાં રહીએ ક્યાં છે ઝળઝળિયાંની ખોટ .. તું ભરતી ને હું ઓટ

શીત ચાંદની નર્તન કરતી કેવળ તારા રાગે
મારે કારણ દરિયા જેવો દરિયો માંદો લાગે
તારી પાસે જોશ જવાની જાદુ જલસા મંતર
મારી પાસે જોવા જેવું કેવળ મારું અંતર
મારે મંદી તારા ભાયગમાં પણ કાળી ચોટ .. તું ભરતી ને હું ઓટ

Advertisements

વાટ ભલે દૂર દૂર ઊડ્વા તે ઝંખી

પંખીના બચ્ચાએ કીધું કે ચાલોને વાદળને પાણીથી ધોઇએ
પંખીએ ટહુકાના લ્હેકામાં કીધું કે એ માટે પાસપોર્ટ જોઇએ
વાટ ભલે દૂર દૂર ઊડ્વા તે ઝંખી ..આપણે તો પાંખ નહીં લાવેલા તડપંતા માનવપંખી

પાસપોર્ટ આવ્યોને બચ્ચાને લાગ્યું કે આવી ગૈ ઊડ્વાની પાંખ
પંખીએ કીધું કે સપનાને અડવામાં જોઇએ વિઝાની આંખ
વાટ ભલે દૂર દૂર ઊડ્વા તે ઝંખી..આપણે તો સરહદની વાડમાં ઝુરંતા માનવપંખી

વિઝાનું સિમત જોઇ પંખીના બચ્ચાએ આભ લગી માંડેલી મીટ
પંખીએ કીધું કે ધીરજ તો રાખ હજુ ઉડવાને જોઇએ ટિકીટ
વાટ ભલે દૂર દૂર ઊડ્વા તે ઝંખી..આપણે તો પિંજરને સાથે લૈને ઉડંતા માનવપંખી

રે! નદી , તને પણ બાંધી?

રે! નદી , તને પણ બાંધી?

જીવ નીચોવ્યો,શ્વાસ નીચોવ્યા
અંધારા-અજવાસ નીચોવ્યા
પછી મળીતી અમને એ આઝાદી
તારે મુક્તિ હોય જોઇતી જલ્દીથી તું તાર કરી દે
નામ લખી લે – મોહનદાસ કરમચંદ ગાંધી


તારા ઘરમાં તારી રીતે રહેવાનું પણ નહી?
વહેવું તારો ધર્મ : ધર્મમાં વહેવાનું પણ નહી?
જઈ ઝાડની પાસે કશું કહેવાનું પણ નહી?
અખંડ જળની ચાદર કોણે થીગડાઓથી સાંધી?
રે!નદી,તને પણ બાંધી?

પટ્ટે બાંધી ફરતા લોકો નાનકડા સંતાન
સુગંધની મહેફિલમાં ભોળા ફૂલોનું અપમાન
હાથકડી પહેરીને લહેરો ક્યાંથી ગાશે તાન
તોડ બધાય બંધન,આપું ખોબે ખોબા આંધી
રે!નદી,તને પણ બાંધી?

અલ્લડ છોકરીનુ ગીત – ૨

ફુંક મારું તો ઊડી જાય પથ્થર
વેણ બોલું તો ઢોળાય અત્તર
      સાત સપનાનુ આભ મારી પાસે
       હું તો નિકળેલી મોજના પ્રવાસે

મારી ડેલિયૂમા ઉગે પતાસા
ચાંદ રોજ મને મોકલાવે જાસા
શ્વેત અજવાળા પાથરું અમાસે…….હું તો…

કદી વાયરાને પાલવમાં બાંધુ
હુ તો માણસને માણસથી સાંધુ
નથી બારણું કે કોઇ મને વાસે…….હું તો…

ભલે સુરજ હો ધરતીનો ભાયડો
કદી માગે તો આપું હું છાંયડો
આમ તડ્કા પી જાઉ એક શ્વાસે….. હું તો…

જેના ખભ્ભા પર મોતીયોનો થેલો
એજ દરિયો બે આંખમાં ડૂબેલો
કોણ આંસુ કે મોતી તપાસે…….હું તો….

અલ્લડ છોકરીનુ ગીત

હુ તો કાગળને રંગતી, વાદળને રંગતી, રંગતીતી પડતા વરસાદને
હુ તો ફૂલોના સ્મિતમાં પંખીના ગીતમાં સાંભળતી કુદરતના સાદને….

એક વાર પાંચીકા આભ લગ ઉછાળયા કે સૂરજને લાગી નવાઈ
બદલામાં આકાશે તારા વરસાવ્યાને મારી આ ઓઢણી ભરાઈ
હુ તો સ્વપનની અટારીથી અધખુલ્લી બારીથી જોતીતી આથમતાં ચાંદને…

મમ્મીના ગીત હુ તો મનગમતા ઝાડવાની ડાળીઓને જઈને સુણાવતી
મુઠ્ઠીમાં સંઘરેલી વરસાદી વારતાઓ સુક્કા બગીચામાં વાવતી
હુ તો મોરલાની ગહેક સંગ ધરતીની મહેક સંગ ચાખતીતી પડતા વરસાદને…

ગીત લખું કે ગઝલ

ફરી આંખ કાં સજલ,
ગીત લખું કે ગઝલ

કોણ ફરી આવીને ઊભું, બંધ કલમને દ્વારે
જીવ પૂછે છે અડધી રાતે, કોણ હશે અત્યારે!
આ કોણ કાપતું મજલ, ગીત લખું કે ગઝલ

કોણ ફરી પગલીઓ પાડે, કાગળના આંગણામાં
નકકી કોઈ હશે પ્રગટતું, કવિ નામના જણમાં
આ કોણ આટલું સરલ, ગીત લખું કે ગઝલ!

હું જ લખું છું એ વિશે તો, મનેય પડતો શક
કો’ક લખાવી જાય છે ને, માનું મારો હક
(તો) થશે કો’ક દી ટસલ, ગીત લખું કે ગઝલ!

તમે જિંદગી વાંચી છે

સુખની આખી અનુક્રમણિકા, અંદર દુ:ખના પ્રકરણ
તમે જિંદગી વાંચી છે ? વાંચો તો પડશે સમજણ

પૂંઠાં વચ્ચે પાનાં બાંધ્યાં, જેમ ડચૂરા બાઝે
આંસુના ચશ્માં પહેરીને, પાનેપાનાં વાંચે
પથ્થરના વરસાદ વચાળે, કેમ બચાવો દર્પણ… તમે જિંદગી…

હશે કોઈ પ્રકરણ એવું કે ખરે વાંચવાલાયક
તમે ફેરવો પાનાંને, એ પુસ્તકમાંથી ગાયબ
ફાટેલાં પાનાંનાં જેવાં, ફાટી જાતાં સગપણ…. તમે જિંદગી….

આ લેખક પણ કેવો, એને દાદ આપવી પડશે
લખે કિતાબો લાખો, પણ ના નામ છપાવે કશે
હશે કદાચિત લેખકજીને, પીડા નામે વળગણ…. તમે જિંદગી…..