મને સાચ્ચો જવાબ દઇશ તું ?

મને સાચ્ચો જવાબ દઇશ તું ?
તને વહાલો વરસાદ કે હું ?

તને વરસાદી વાદળના વાવડ ગમે, કે મારા આ મળવાના વાયદા
તને મારામાં ખૂલવું ને ખીલવું ગમે, કે છત્રીના પાળવાના કાયદા
તને વરસાદી મોરલાનું ટેંહુક ગમે, કે મારી આ કોયલનું કૂ… તને

તને વરસાદી વાદળનું ચૂમવું ગમે, કે તરસી આ આંખોનું ઝૂરવું
હું ને આ વાદળ બે ઊભાં જો હોઇએ તો, કોનામાં દિલ તારે મૂકવું
તને આભમાં રમતું એ વાદળ ગમે, કે દરિયાનો કાંઠો ને હું… તને

તને છોને વરસાદ હોય વ્હાલો પણ, કોણ તને લાગે છે વ્હાલું વરસાદમાં
તને આટલું ચોમાસું વ્હાલું જો હોય, તો આંખો ભીંજાય કોની યાદમાં
આઠે મહિના મને આંખોમાં રાખે,ને ચોમાસે કહે છે જા છૂ… તને

Advertisements