વસંત

વસંત ઋતુ નો પગરવ સંભળાય છે હવા સૂર્યપ્રકાશ ના રંગે રંગાતી જાય છે
આંબાની મંજરીઓએ હળવે સૂરે ગાવાનું શરુ કર્યું છે કોયલના ટહુકાઓ શેરડીના રસ
સાથે હરીફાઈમાં ઉતર્યા છે અને એમની સરસાઈ ચાલી રહી છે શિયાળાનો સેન્ડ ઓફ ગોઠવાઈ
રહ્યો છે ઉનાળા માટે ગરમ લૂ ને પણ આમંત્રણ અપાઈ રહ્યા છે બંધ પડેલા પંખાઓએ હવે
ઓવરટાઈમ કરવો પડશે એની જાણ કરી દેવામાં આવી છે વેકેશન થી થોડે દૂર ઉભેલા
સ્કુલ અને કોલેજોના દરવાજાઓ આજકાલ પરિક્ષા આપવા આવતા બાળકોને જોઇને
કીચુડ કિચુડ કર્યાં કરે છે માંબાપો બચ્ચાઓ કરતા વધારે ચિંતિત થઈને ઘરને મંદિરમાંથી
ચિન્તાકેન્દ્ર બનાવી રહયા છે માર્ચ નજીક હોવાથી બાકીના સહુ હિસાબોમાં પડ્યા છે
ગુલમ્હોરે રાતા થવાની શરૂઆત કરી છે પણ લાલ આંખે થયેલા ઉજાગરાઓ એ તરફ ધ્યાન
જવા દેતા નથી નવાઈ છે કે વર્ષે એક વાર ઉપરવાળો પ્રેમપત્ર મોકલે છે પણ ત્યારે જ
આપણી આંખનું મોતિયાનું ઓપરેશન ગોઠવાયું હોય એવો તાલ છે
આ ઋતુ માં દરેક જણે પોતાના સહુથી વધારે પ્રિયજનને એક પત્ર તો લખવો જ પડશે એવો
આદેશ મળે તો છાતી ઉપર હાથ મૂકીને કહો તમે કોને નામે પત્ર લખો ?
એ જ નામ ને. . . જેને કારણે તમને જીવવું ગમે છે જોવું ગમે છે. . જાણવુ
ગમે છે અને જેની આંખોમાં જોવાથી તમને જીવવાની શક્તિ મળે છે જે હસે છે
તો તમે રાજીના રેડ થઇ જાઓ છો અને જેના રાજીપા માટે તમે કઈ પણ કરવા તૈયાર
થઇ જાઓ છો.. .. હા એનું નામ પ્રેમ છે એને લાડમાં લોકો જીવનની વસંત કહે છે
મુકેશ જોશી

Advertisements

આકાશ .. આંખો ની પહેલી તલાશ

આકાશ .. આંખો ની પહેલી તલાશ

આજે સવારે ઉઠીને ઘડિયાળને બદલે સીધું આકાશ જોયું પછી આંખો બંધ કરીને વિચાર્યું કેટલા વાગ્યા હશે
તો એક વાદળીમાંથી જવાબ આવ્યો પોણાં સાતમાં પાંચ અને ખરેખર ઘડિયાળ જોઈ તો બરાબર એ જ સમય,
સવારે ઉઠીને આકાશ જોવાની આ જ મજા છે કારણકે આકાશનો પણ દબદબો હોય છે જો કે મારા જીવનમાં સવાર મુજવણ
સાથે પણ ઉગે છે। તું જગાડે તો લાગે કે ચંદ્ર મારી નીંદર ના બારણે ટકોરા મારે છે અને તું ન હોય ત્યારે સૂર્ય જગાડે છે અને એ
બેની વચ્ચે એલાર્મ જગાડે છે
તને ખબર છે સવારનું આકાશ તો બાળકની આંખમાં આંખ પરોવવા જેવું હોય છે। કહે છે ઘણું બધું અને બોલે કશું નહી
એની કહેવાની ભાષા આપણને સમજાય એટલા માટે પંખીઓ તેમના ટહુકામાં અનુવાદ કરે છે। કાનથી ન સમજાય તો
પવન તેની આહલક્દાતા માં તરજુમો કરી ચામડીને સ્પર્શે છે અને ઠેઠ ફેફસામાં જઈને ટપાલ પહોચાડે છે પછી રોમરોમમાં
ધીમે ધોમે મંજીરા વાગવા શરુ થાય છે, મનની સિતાર પર એ જ પવન આંગળીઓ ફેરવવા લાગે છે આ બધું અનુભવવા થોડી નિરા ત હોવી જરૂરી છે એકવાર પવનને ખબર પડી જાય આપણે એના માટે સમય ફાળવી શકીએ છીએ તો એ વગર ફી એ આપણું ટ્યુશન બાંધી દે છે પછી તો રાતનો પરદો ઉઠે કે સિતાર વાદનનો શો શરુ થઇ જાય . તને પુછું છું .. છેલ્લે તે આકાશને વહાલથી ક્યારે જોયેલું ? તને કદી વિચાર આવે ખરો કે સુતેલા આકાશને આપણે જગાડીએ? સવારે રોજ નવી નવી છટા ઓ અને અદાઓ વાળું આભ જોતા જોતા ઓફીસ જવાનો જલસો કેટલા બધા ચુકી જાય છે। વગર ટીકીટનો આ જલસો
જોયા વગર નીકળી પડીએ તો થાય કે મહુડી ગયા ને સુખડી જ ના ખાધી .મને થાય છે આકાશ નક્કી જાદુગર હશે એટલે તો પંખીઓ એને પામવા નીકળી પડે છે . તારામાં કોઈ પંખી પંખ ફફડાવતું હોય તો
મારી બારીમાંથી દેખાતું આકાશ જોવા એકવાર તું આવી જ। આપણે સિતાર વગાડીશું ખાસ આકાશ ,માટે

મુકેશ જોશી