ગઝલ

October 4, 2009

ખેરવી નાખે જ તારાં પાન તો તુ શું કરીશ ?
ખીલવાનું દે પછી આહ્વવાન તો તુ શું કરીશ ?

વેશ સાધુનો લૈ તું બ્રહ્મચારી થાય પણ
જાગશે તારા મહી શેતાન તો તુ શું કરીશ ?

એમને મુઠ્ઠી ભરી તુ શાપ દેવા નીકળે
એ તને જો આપશે વરદાન તો તુ શું કરીશ ?

કાલ જેને તે હણ્યો તે સત્યવક્તા હુ હતો
રુબરુ આવી કહે ભગવાન તો તુ શું કરીશ ?

જિંદગી વાંચીને તારી એ કરે જો ફેસલો
ભાગ્યમાં તારા નથી અવસાન તો તુ શું કરીશ ?

 

ફોન : ૯૮૬૯૯ ૨૯૦૮૯


બૂટાલા હાઉસ – 4

October 2, 2009

લઘરવઘર મુફલિસ
મંદિરની બહાર
સહુના બૂટને જોતો ધારદાર

ચોર ચોરની બૂમો
અપશબ્દોનો વરસાદ
મારો મારોનો નાદ

બહુ સિફ્તથી છટકી…આગળ જૈ અટકી
કશેક વળી ગયો
પૂજારીએ ભકતોને પુછ્યુ
દાઢી હતી?…આંખોમાં ચમક હતી?
ટોળૂ ગુસ્સામા.. હા બોલ્યુ

પૂજારીએ નિ:સાસો નાખ્યો :
કાલે જ ઇશ્વર સપનામાં કહેતા હતા
તારા દ્વારે આવીશ અને હડધૂત થૈ ને જૈશ

ટોળુ ઇશ્વર જેવા ઇશ્વરને ભગાડી મુક્યાની
કિકિયારીઓ કરતુ ગર્વથી નીકળી ગયુ


બૂટાલા હાઉસ – ૩

October 2, 2009

“દર્શનના સમય પછી પ્રસાદીમાં બૂટ આપવામાં આવશે”
જાહેરાત પછી
પૂજારીના ફોન ઉપર રીતસરનો ધસારો
કંઇ કંપનીના?
અમારી સાઇઝના ખરા?
બાળકો માટે શુ?
લાઇનમા ઉભા રહેવાનુ કે ટોકન વ્ય્વસ્થા?
કેટલા વર્ષની ગેરેંટી?

પણ ૧૦૦ ટકા ગેરેંટીવાળા ઇશ્વર વિશે
પૂજારીને કોઇએ પુછ્યુ જ નહી કે
દર્શનનો સમય કેટલા વાગે?


બૂટાલા હાઉસ – ૨

October 2, 2009

મંદિરની બહાર એક બાબા
ચમત્કારીક આપે છે રાખ
ચપટી રાખ બૂટમાં રાખવાથી બૂટ ક્દી ચોરાતાં નથી
શરત એટ્લી કે ઘરમાં જ કાઢ્વાના

રાખના ઢગલા ઉપર બેઠેલા
રાખ લેવા કતારો લગાવે છે
ઇશ્વર કરતાં બાબાના ભકતો વધી રહ્યા છે

બાબાએ રાખ આપી આપી મંદિરથી દૂર
બૂટ બનાવવાની ફેકટરી ખોલી નાખી છે

ને એક કવિ કીડીના ચંપલ કેમ સિવાય
એની મથામણમા કેટ્લીય રાતોથી સૂતો નથી


બુટાલા હાઉસ

September 8, 2009

ચરણને બદલે ….બૂટની ચીંતા
કરતાં કરતાં પ્રવેશ કરતાં મંદિરમાં
કોઈ વળી પગમાંથી કાઢી મન ઉપર પહેરી
ડરતાં ડરતાં પ્રવેશ કરતાં મંદિરમાં
કોઈ કરતાં કાલાવાલા…ધ્યાન બૂટનુ રાખજો વ્હાલા
કોઈ વળી એવી ચીંતામાં..બીજાના પહેરી તો લેશુ..કિંતુ માપમાં નહી આવે તો?
કોઈ ફાટલા સોલ સમી ફરિયાદો લાવે
ક્યાંક આત્મા શરીરથી નીકળી જાવાની બીકે કહેતાં
ખીલ્લી ક્યાંક લગાવો વ્હાલા..શરીર આત્મા ચોટી રહે ને..
ખુલ્લા પગના ખુલ્લા મનના ઈશ્વર સહુના
બૂટ પ્રોબ્લેમ ઉકેલે
સૂટ પ્રોબ્લેમ ઉકેલે
અખૂટ પ્રોબ્લેમ ઉકેલે
ભવિષ્યમાં મંદિરને બદલે બીજુ નામ આપવુ હોય તો
બુટાલા હાઉસ રાખી શકાય?


અલ્લડ છોકરીનુ ગીત – ૨

August 26, 2009

ફુંક મારું તો ઊડી જાય પથ્થર
વેણ બોલું તો ઢોળાય અત્તર
      સાત સપનાનુ આભ મારી પાસે
       હું તો નિકળેલી મોજના પ્રવાસે

મારી ડેલિયૂમા ઉગે પતાસા
ચાંદ રોજ મને મોકલાવે જાસા
શ્વેત અજવાળા પાથરું અમાસે…….હું તો…

કદી વાયરાને પાલવમાં બાંધુ
હુ તો માણસને માણસથી સાંધુ
નથી બારણું કે કોઇ મને વાસે…….હું તો…

ભલે સુરજ હો ધરતીનો ભાયડો
કદી માગે તો આપું હું છાંયડો
આમ તડ્કા પી જાઉ એક શ્વાસે….. હું તો…

જેના ખભ્ભા પર મોતીયોનો થેલો
એજ દરિયો બે આંખમાં ડૂબેલો
કોણ આંસુ કે મોતી તપાસે…….હું તો….


અલ્લડ છોકરીનુ ગીત

August 5, 2009

હુ તો કાગળને રંગતી, વાદળને રંગતી, રંગતીતી પડતા વરસાદને
હુ તો ફૂલોના સ્મિતમાં પંખીના ગીતમાં સાંભળતી કુદરતના સાદને….

એક વાર પાંચીકા આભ લગ ઉછાળયા કે સૂરજને લાગી નવાઈ
બદલામાં આકાશે તારા વરસાવ્યાને મારી આ ઓઢણી ભરાઈ
હુ તો સ્વપનની અટારીથી અધખુલ્લી બારીથી જોતીતી આથમતાં ચાંદને…

મમ્મીના ગીત હુ તો મનગમતા ઝાડવાની ડાળીઓને જઈને સુણાવતી
મુઠ્ઠીમાં સંઘરેલી વરસાદી વારતાઓ સુક્કા બગીચામાં વાવતી
હુ તો મોરલાની ગહેક સંગ ધરતીની મહેક સંગ ચાખતીતી પડતા વરસાદને…